ઈરાનથી પાછું ફરી રહેલું યુદ્ધજહાજ અબ્રાહમ લિંકન ક્યુબા પર કબજો કરશે : ડોનલ્ડ ટ્રમ્પ

03 May, 2026 10:32 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વાઇટ હાઉસે ક્યુબા પ્રત્યેની એની નીતિને વધુ કડક બનાવવાનો સંકેત આપ્યો છે

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ક્યુબા વિશે મજાકમાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ઈરાનથી પાછાં ફરતાં અમારાં જહાજો ક્યુબામાં રોકાશે અને તેઓ તરત જ શરણાગતિ સ્વીકારશે.

ટ્રમ્પે શુક્રવારે એક ઇવેન્ટમાં પોતાના ભાષણમાં કહ્યું હતું કે ‘ક્યુબામાં કેટલીક સમસ્યાઓ છે. ઈરાનથી પાછા ફરતી વખતે અમેરિકન નેવીનો ક્યુબનો સામનો કરશે. ઈરાનથી પાછા ફરતી વખતે અમે અમારાં મોટાં જહાજોમાંથી એકને મોકલીશું. કદાચ વિશ્વનું સૌથી મોટું ઍરક્રાફ્ટ કૅરિયર USS અબ્રાહમ લિંકન છે એને મોકલીશું. આ જહાજ કિનારાથી લગભગ ૧૦૦ યાર્ડ દૂર રોકાશે અને તેઓ કહેશે, ખૂબ-ખૂબ આભાર, અમે શરણાગતિ સ્વીકારીએ છીએ, અમે હાર માનીએ છીએ.’

ડોનલ્ડ ટ્રમ્પનું શુક્રવારનું નિવેદન હળવાશભર્યું અને રમૂજી હોઈ શકે છે; પરંતુ એને એક મુખ્ય સંકેત તરીકે પણ જોવામાં આવી રહ્યું છે, કારણ કે તાજેતરના મહિનાઓમાં અમેરિકા ક્યુબા સરકાર પર મોટા રાજકીય અને આર્થિક સુધારા માટે સતત દબાણ કરી રહ્યું છે. ટ્રમ્પે વારંવાર કહ્યું છે કે જો તેમની શરતો પૂરી નહીં થાય તો અમેરિકા લશ્કરી કાર્યવાહી પર વિચાર કરી શકે છે. 

ક્યુબા પર વધુ પ્રતિબંધો
ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વાઇટ હાઉસે ક્યુબા પ્રત્યેની એની નીતિને વધુ કડક બનાવવાનો સંકેત આપ્યો છે. શુક્રવારે ટ્રમ્પે ક્યુબન સરકાર પર પ્રતિબંધો વધુ વધારવાનો એક એક્ઝિક્યુટિવ ઑર્ડર જાહેર કર્યો હતો. નવા અમેરિકન પ્રતિબંધો એવી વ્યક્તિઓ અને જૂથો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે ક્યુબન સરકારની સુરક્ષા-એજન્સીઓને મદદ કરે છે. આ પગલાં ભ્રષ્ટાચાર, ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન અથવા ક્યુબન સરકારના અધિકારીઓ અથવા સમર્થકો તરીકે કામ કરતા લોકોને પણ લક્ષ્ય બનાવે છે.

ટ્રમ્પના મોં પર હોર્મુઝ સ્ટ્રેટનું સીલ

ઈરાન પાટનગર તેહરાનમાં એક વિશાળ હોર્ડિંગ લાગ્યું છે જેમાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના મોંને હોર્મુઝ સ્ટ્રેટથી સીલ કરી દેવામાં આવ્યું હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

international news world news donald trump washington united states of america