✕

US Midterm Elections: અમેરિકાના મિડ-ટર્મ ઇલેક્શનમાં ટ્રમ્પની હાર, પ્રથમ પ્રતિક્રિયા આપતાં શું બોલ્યા?

04 November, 2026 12:44 PM IST  |  United States Of America | Gujarati Mid-day Online Correspondent

US Midterm Elections:અમેરિકાની મિડ-ટર્મ ઇલેક્શનમાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. આ ઇલેક્શનમાં રિપબ્લિકન પાર્ટીનો પરાભવ થયો છે. રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં તેઓએ હાર સ્વીકારવી પડી છે.

ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

US Midterm Elections: અમેરિકાના મિડ-ટર્મ ઇલેક્શનમાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. આ ઇલેક્શનમાં રિપબ્લિકન પાર્ટીનો પરાભવ થયો છે. મળી રહેલા રિપોર્ટ્સ પ્રમાણે ડેમોક્રેટિક પાર્ટીએ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી મેળવી છે જ્યારે રિપબ્લિકન પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં તેઓએ હાર સ્વીકારવી પડી છે. ઇલેક્શન હાર્યા બાદ ટ્રમ્પે કહ્યું હતું કે હું ચૂંટણીના મેદાનમાં નહોતો, નહિતર મારો પક્ષ જંગી બહુમત સાથે જીત્યો હોત. આવું કહીને ટ્રમ્પે મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. એક અમેરિકન ન્યૂઝ ચેનલ સાથે વાત કરતી વેળાએ ડોનલ્ડ ટ્રમ્પે ઇલેક્શનનાં રિઝલટ્સનો સ્વીકાર કર્યો હતો અને તેઓએ સાથે મળીને કામ કરવામાં રાજીપો બતાવ્યો હતો. આ સાથે તેઓએ એમ પણ જણાવ્યું હતું કે તેઓને આ રિઝલટને લઈને કોઈ પસ્તાવો નથી થયો.

વર્ષ ૨૦૨૩માં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પર રિપબ્લિકન પાર્ટીનું વર્ચસ્વ હતું. આ વખતે મતદાતાઓને (US Midterm Elections) ઘણી સમસ્યા સામે વાંધો હતો. જેમાં એક તો મોંઘવારી એ મુખ્ય મુદ્દો હતો. તે સિવાય ઈરાન યુદ્ધ અને ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલ ટૅરિફને કારણે જે રીતે અમેરિકામાં ડેઇલી ખર્ચનો વધારો થઈ રહ્યો છે તે પણ મુદ્દો હતો જ. આ તમામ પ્રકારના મુદ્દાઓની વચ્ચે ટ્રમ્પની અપ્રૂવલ રેટિંગ પણ ઘટીને ૩૧ ટકા પર આવી ગઈ હતી. જોકે આ તેમના કાર્યકાળની સૌથી નીચલું સ્તર છે. આ સમગ્ર ચિત્રને જોતાં એવું લાગી રહ્યું છે કે ટ્રમ્પની લોકપ્રિયતાની મોટી કસોટી થઈ રહી છે.

(US Midterm Elections) અગાઉ હાઉસમાં રિપબ્લિકન પાર્ટીના ૨૧૮, એક અપક્ષ અને ૨૧૪ ડેમોક્રેટ્સ સભ્યો હતા, જ્યારે બે બેઠકો ખાલી હતી. ડેમોક્રેટ્સે રિપબ્લિકન્સના કબજા હેઠળની ઘણી બેઠકો જીતી લીધી છે અને જ્યાં ધાર્યું પણ નહોતું તેવી કેટલીક બેઠકો પર પણ પણ રસાકસીભરી ટક્કર આપી હતી. આ ઇલેક્શનમાં ડેમોક્રેટ્સે ઘણી મહત્વની બેઠકો પર બાજી પલટી નાખી છે. ડેમોક્રેટ્સે નોર્થ કેરોલિનામાં એક એવો જિલ્લો પણ પોતાને નામ કર્યો છે જ્યાં છેલ્લાં ૧૫ વર્ષથી રિપબ્લિકન્સની સત્તા હતી. તે સિવાય પેન્સિલવેનિયા, કેન્ટકી અને કોલોરાડો વગેરે સ્ટેટમાં પણ ડેમોક્રેટ્સે સીટ્સ જીતી લીધી છે. ટેક્સાસ અને ફ્લોરિડામાં પણ ડેમોક્રેટ્સે વિજય પતાકા લહેરાવી છે.

આમ, સેનેટથી લઈને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ સુધી ડેમોક્રેટ્સનું વર્ચસ્વ (US Midterm Elections) જોવા મળી રહ્યું છે. આ સમગ્ર ચિત્રને જોતાં કહી શકાય કે હવે ટ્રમ્પ એટલી સરળતાથી પાર્લામેન્ટમાં પોતાની મનમાની ચલાવી તો નહીં જ શકે. ભલે, ઇલેક્શનના પ્રચારમાં ટ્રમ્પે પોતે ઘણા સ્ટેટમાં આગેવાની લીધી હતી અને પોતાના પાર્ટીના ઉમેદવારો માટે ખૂબ મહેનત કરી હતી. પરંતુ તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

international news world news donald trump united states of america