અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું…‘છેલ્લા શ્વાસ સુધી હું અમેરિકાની સેવા કરીશ’

06 November, 2024 02:18 PM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

US Election Results 2024: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન ચૂંટણીમાં ઈતિહાસ રચ્યો; જીત બાદ અમેરિકાની જનતાનો આભાર માન્યો; પત્ની અને સાસુને પણ સ્પીચમાં કર્યા યાદ

તસવીર સૌજન્ય : એએફપી

અમેરિકા (United States Of America)માં રાષ્ટ્રપતિની ચૂંટણી (US Elections 2024)ના પરિણામો (US Election Results 2024) આવી ગયા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન (Republican) ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ બહુમતી મેળવી છે અને ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક (Democratic) ઉમેદવાર કમલા હેરિસ (Kamala Harris)ને હરાવ્યા છે. ટ્રમ્પને માત્ર ઈલેક્ટોરલ વોટમાં બહુમતી જ મળી નથી પરંતુ તમામ સાત સ્વિંગ સ્ટેટ્સમાં પણ તેઓ આગળ છે. ટ્રમ્પે અમેરિકન ચૂંટણીમાં ઈતિહાસ રચ્યો છે. સદી પછી કોઈ પૂર્વ રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા છે.

યુએસ પ્રમુખપદની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એટલે કે ૬ નવેમ્બર ૨૦૨૪ના રોજ પોતાનું પ્રથમ થેંક્સગિવિંગ ભાષણ આપ્યું હતું. ટ્રમ્પે મીટિંગમાં હાજર દરેકનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, ‘આ એક આંદોલન જેવું છે. હવે અમે અમારા દેશને નવી રીતે મદદ કરીશું અને તમામ સમસ્યાઓનું સમાધાન કરીશું. અમે ભૂતકાળમાં તમામ અવરોધોને પાર કરીને આગળ વધ્યા છીએ અને આગળ પણ વધીશું.’

ટ્રમ્પે કહ્યું, ‘આ એક ઐતિહાસિક જીત છે જે આ પહેલા કોઈને મળી નથી. આ પ્રકારનો રાજકીય પરિવર્તન પહેલીવાર થયો છે. મને ફરીથી રાષ્ટ્રપતિ બનાવવા માટે બધાનો આભાર. જ્યાં સુધી મારા શરીરમાં છેલ્લા શ્વાસ છે ત્યાં સુધી હું અમેરિકાની સેવા કરતો રહીશ. આ અમેરિકન લોકોની જીત છે.’ એટલું જ નહીં, ટ્રમ્પે દરેક પ્રાંતનું નામ લીધું અને જ્યાંથી તેઓ જીત્યા તેમનો આભાર પણ માન્યો.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘અમારા દેશે વચ્ચે ખરાબ તબક્કો જોયો અને અમે ઘણા મુદ્દાઓ પર પાછળ રહી ગયા, પરંતુ હવે અમે સાથે મળીને દેશની તમામ સમસ્યાઓનો ઉકેલ લાવીશું. અમે અમેરિકા માટે કામ કરીશું અને તેને ફરીથી એક મહાન રાષ્ટ્ર બનાવીશું.’ તેમણે પુનરોચ્ચાર કર્યો, ‘આ એક ઐતિહાસિક જીત છે. અમને સ્વિંગ સ્ટેટ્સનું સમર્થન પણ મળ્યું છે.’ તેમણે પોતાના ભાષણમાં એલન મસ્ક (Elon Musk)નું નામ પણ લીધું અને તેની ભરપૂર પ્રશંસા કરી.

ટ્રમ્પ આગળ બોલ્યા, ‘આપણે આપણા દેશને ફરી સારો બનાવીશું. મને ખબર નથી કે તેમાં કેટલો સમય લાગશે, પરંતુ અમે તેને પહેલાની જેમ ફરી સારો બનાવીશું.’ ટ્રમ્પે પોતાના ભાષણમાં ઘૂસણખોરી વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, ‘અમારી સરકાર ઘૂસણખોરી રોકશે. અમે સરહદો સીલ કરીશું. જે લોકો અહીંથી સ્થળાંતરિત થયા છે અથવા કોઈ બહારથી અહીં આવવા માંગે છે, તો તેમને ફક્ત કાયદેસર રીતે આવવાની મંજૂરી આપવામાં આવશે.’

ભાષણના અંતમાં ટ્રમ્પે પત્ની મેલાનિયા ટ્રમ્પ (Melania Trump)નું નામ પણ લીધું અને તેમના બાળકો તેમજ પિતાને પણ યાદ કર્યા. તે સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સાસુ અમાલિયા (Amalija Knavs)ને પણ યાદ કર્યા.

us elections donald trump kamala harris united states of america international news world news