05 November, 2024 08:00 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ, કમલા હૅરિસ
અમેરિકામાં આજે પ્રેસિડન્ટની ચૂંટણી યોજાઈ રહી છે અને અર્લી વોટિંગની સુવિધા મુજબ આશરે ૭.૫ કરોડ મતદારોએ આ પહેલાં જ મતદાન કરી દીધું છે. આજે યોજાનારા મતદાનમાં પણ કરોડો મતદારો ભાગ લેશે.
અમેરિકામાં મતદાનની તારીખ પહેલાં પણ મતદાન કરી શકાય છે અને એ માટે વિશેષ બૂથ તૈયાર કરવામાં આવે છે. આ સુવિધા હેઠળ રજિસ્ટર્ડ ઈ-મેઇલ, બૅલટ પોસ્ટ કરીને કે મતદાન-મથક પર જઈને મત આપી શકાય છે.
ડેમોક્રૅટિક પાર્ટીના જો બાઇડને ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ વાઇસ પ્રેસિડન્ટ કમલા હૅરિસ ઊભાં રહ્યાં છે અને સામા પક્ષે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ છે.
કેટલાંક રાજ્યોમાં મતદાન સવારે ૭થી ૯ વાગ્યા વચ્ચે શરૂ થશે. અમેરિકામાં ઘણાં ટાઇમ-ઝોન છે એથી મતદાન શરૂ થવા અને પૂરું થવામાં અલગ-અલગ ટાઇમ જોવા મળશે.
૨૦૨૦માં પ્રેસિડન્ટની ચૂંટણીમાં માન્યતાપ્રાપ્ત મતદારો પૈકી મતદાનની ટકાવારી આશરે ૬૬ ટકા રહી હતી.