ગ્રીન કાર્ડના નિયમો પર અમેરિકાનો યુ-ટર્ન- હવે માત્ર કેટલાક લોકોએ જ તેમના દેશમાં પાછા ફરવું પડશે

31 May, 2026 07:41 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

૨૧ મેના મેમોએ ખાસ કરીને F-1 વિદ્યાર્થીઓ અને પ્રવાસી વીઝાધારકોમાં વ્યાપક ચિંતા ફેલાવી હતી

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં કાયમી રેસિડન્સ માટે ગ્રીન કાર્ડ મેળવવાનો પ્રયાસ કરનારા અરજદારોએ તેમને મંજૂરી ન મળે ત્યાં સુધી તેમના વતન પાછા જવું પડશે એવા આદેશના એક અઠવાડિયા પછી ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી (DHS)એ યુ-ટર્ન લીધો છે. આ મુદ્દે DHSનું હવે કહેવું છે કે ફક્ત કેટલાક લોકોએ પાછા જવું પડશે. નવી નીતિ હાલના નિયમોથી વધુ બદલવામાં આવી નથી. આ એક સંપૂર્ણ ફેરફાર નથી અને ગ્રીન કાર્ડ માટે અરજી કરવા માટે કોઈને તેમના વતનમાં રહેવાની જરૂર છે કે નહીં એ નક્કી કરવાનું ઇમિગ્રેશન અધિકારીઓ પર નિર્ભર રહેશે. આ જોગવાઈ પહેલેથી જ અમલમાં હતી. આ ફક્ત અધિકારીઓને તેમના વિવેકાધીન અધિકારની યાદ અપાવવા માટે હતું, જે હંમેશાં કેસ-દર-કેસ આધારે અસ્તિત્વમાં છે.

અમેરિકન સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસના પ્રવક્તા ઝેક કાહલરે એક અઠવાડિયા પહેલાં એક નિવેદનમાં કહ્યું હતું કે પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પનાં ઇમિગ્રેશન પરનાં કડક પગલાં હેઠળ અમેરિકામાં કાયમી રહેઠાણ મેળવવા માગતા જે લોકો કામચલાઉ તરીકે અમેરિકામાં રહે છે તેમણે તેમના વતન પાછા ફરવું પડશે. 

હાલની નીતિ ઇમિગ્રન્ટ્સને તેમના ગ્રીન કાર્ડની મંજૂરી માટે અમેરિકામાં રાહ જોવાની મંજૂરી આપે છે. ફક્ત ૨૦૨૪માં લગભગ ૧૪ લાખ ગ્રીન કાર્ડ લોકોને આપવામાં આવ્યાં હોવાના અહેવાલ છે. અરજદારો સામાન્ય રીતે નોકરીદાતા અથવા નજીકના સંબંધી દ્વારા પ્રાયોજિત થાય છે.

ભારતીયોમાં ચિંતાનું મોજું ફેલાયું હતું
૨૧ મેના મેમોએ ખાસ કરીને F-1 વિદ્યાર્થીઓ અને પ્રવાસી વીઝાધારકોમાં વ્યાપક ચિંતા ફેલાવી હતી. લગભગ ૭૦ ટકા H-1B વીઝાધારકો ભારતીયો છે. તેઓ પણ આ નિર્દેશ બાદ ચિંતિત હતા. જોકે H-1B ધારકોને સુધારેલા માળખા હેઠળ પ્રમાણમાં ઉચ્ચ સ્તરનું રક્ષણ મળવાની શક્યતા છે. H-1Bમાં ડ્યુઅલ ઇન્ટેન્ટ સિદ્ધાંત વીઝાધારકોને અમેરિકામાં અસ્થાયીરૂપે કામ કરવાની મંજૂરી આપે છે અને સાથે-સાથે લાંબા ગાળાના રહેઠાણની શોધ પણ કરે છે.

international news world news united states of america washington donald trump