બંધકોને મુક્ત કરવા યુદ્ધ રોકવા ડીલ માટે અમેરિકા, ઇઝરાયલ અને હમાસ સંમત?

20 November, 2023 11:00 AM IST  |  Tel Aviv | Gujarati Mid-day Correspondent

આ રિપોર્ટમાં જણાવાયું હતું કે છ પેજના આ કરારના ભાગરૂપે તમામ પક્ષકારો ઓછામાં ઓછા પાંચ દિવસ માટે લડાઈ લડવાનું બંધ કરી દેશે

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સીસ દ્વારા ગઈ કાલે રિલીઝ કરવામાં આવેલા ફોટોગ્રાફમાં ગાઝા પટ્ટી પર કાટમાળ અને એક બિલ્ડિંગ પાસે ઇઝરાયલના સૈનિકો જોવા મળ્યા હતા

ઇઝરાયલ, અમેરિકા અને હમાસ આતંકવાદી ગ્રુપ પાંચ દિવસ સુધી યુદ્ધ રોકવાના બદલામાં ગાઝા પટ્ટી પર બંધક બનાવવામાં આવેલી કેટલીક મહિલાઓ અને બાળકોને મુક્ત કરવા માટે કામચલાઉ કરાર માટે સંમત થયાં હોવાનો એક અમેરિકન મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.

આ રિપોર્ટમાં જણાવાયું હતું કે છ પેજના આ કરારના ભાગરૂપે તમામ પક્ષકારો ઓછામાં ઓછા પાંચ દિવસ માટે લડાઈ લડવાનું બંધ કરી દેશે અને દર ૨૪ કલાકે નાનાં ગ્રુપ્સમાં શરૂઆતમાં ૫૦ કે એનાથી વધારે બંધકોને મુક્ત કરવામાં આવશે.

આ અહેવાલને ફરી વાર ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે આ પ્રકારના અહેવાલો ખોટા છે. શનિવારે નેતન્યાહુએ એક લાંબી પ્રેસ-કૉન્ફરન્સને સંબોધીને મક્કમપણે જણાવ્યું હતું કે જ્યારે પણ આવી કોઈ ડીલ થશે અથવા તો કોઈ સમાધાન થશે તો ઇઝરાયલની પબ્લિકને જાણ કરવામાં આવશે.

જોકે શનિવારે નેતન્યાહુએ બધી જ અટકળોને નકારી કાઢતાં જણાવ્યું હતું કે અમે બધા જ બંધકોને પાછા લાવવા માગીએ છીએ અને એ માટે અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ.

હમાસે સાતમી ઑક્ટોબરે ઇઝરાયલ પર હુમલા કર્યા હતા અને ૧૨૦૦થી વધુ લોકોની હત્યા કરી હતી. એ સમયે હમાસે લગભગ ૨૪૦ લોકોને બંધક બનાવ્યા હતા.

israel gaza strip international news world news