05 November, 2026 12:51 PM IST | United States Of America | Gujarati Mid-day Correspondent
ટ્રમ્પે તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર એક પોસ્ટ શૅર કરી હતી
કારમા પરાજય પછી ડોનલ્ડ ટ્રમ્પ ડેમોક્રૅટ્સ સાથે કામ કરવા તૈયાર છે અને પૉલિટિકલ પંડિત બનવા માગે છે. તેઓ આગામી બે વર્ષમાં દરેક બિલ પર વીટો કરવા માગતા નથી. કારમા પરાજય માટે તેમણે ઈરાન સાથેના યુદ્ધને મુખ્યત્વે જવાબદાર ઠરાવ્યું છે. તેમણે વિજયી ડેમોક્રૅટ્સને અભિનંદન પણ આપ્યાં છે.
ટ્રમ્પે તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં લખ્યું હતું કે ‘હું ચૂંટણીમાં ઉમેદવાર નહોતો. જો હું ઉમેદવાર હોત તો અમે મોટા માર્જિનથી જીતી ગયા હોત. હું રાજકીય વિશ્ળેષક બનવાનો છું. હું આ ઉમેદવારોના જીતવા અથવા હારવાનાં કારણો, સકારાત્મક અને નકારાત્મક બન્ને, પર ચર્ચા કરીશ.’
બીજી એક પોસ્ટમાં ટ્રમ્પે લાલ ટોપીનો ફોટો પણ શેર કર્યો, જેના પર ‘VETO’ લખેલું હતું. અમેરિકામાં સેનેટ અને હાઉસમાં બહુમતી ન હોય તો વિપક્ષ જે પ્રસ્તાવ મૂકે એના પર પ્રેસિડન્ટ વીટો વાપરીને એને અટકાવી શકે છે. આથી આ પોસ્ટનો સંકેત ટ્રમ્પ વીટો-પાવર વાપરવા માગતા હોય એવો નીકળે છે.
સાથે કામ કરવા તૈયાર
બીજી તરફ એક ન્યુઝપેપરને આપેલી મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘હું આ પરિણામો માટે કોઈને દોષ આપવા માગતો નથી અને એ સ્વીકારવા માટે સંપૂર્ણપણે તૈયાર છું. અમારી સરકાર ડેમોક્રૅટ્સ સાથે મળીને કામ કરશે અને બન્ને પક્ષો વચ્ચે સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરશે. શક્ય છે કે અમે કોઈ રસ્તો શોધી કાઢીશું’
ઈરાન યુદ્ધ નડી ગયું
ડોનલ્ડ ટ્રમ્પે એ વાતનો સ્વીકાર કર્યો છે કે ઈરાન સાથેના યુદ્ધના કારણે ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને ફટકો પડ્યો હતો. એક ન્યુઝ-ચેનલને આપેલી મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘મને લાગે છે કે (પરાજયનું) એક કારણ ઈરાન યુદ્ધ હતું. જોકે ઈરાન પર મેં જે કર્યું એનું મહત્ત્વ પણ લોકો સમજતા હતા. શક્ય છે કે મતદારો ગૅસોલિનના ભાવમાં વધારાની તાત્કાલિક અસરો સ્વીકારવા તૈયાર ન હોય. હું કૅબિનેટમાં ફેરફાર કરું એવી શક્યતા ઓછી છે.’
પરિણામ જોઈને ટ્રમ્પ કૂણા પડ્યા
ચૂંટણીમાં ડેમોક્રૅટિક પાર્ટીના પ્રચંડ વિજય અને અમેરિકન કૉન્ગ્રેસ પરથી નિયંત્રણ ગુમાવી દીધા બાદ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે પોતાનું વલણ નરમ પાડ્યું હતું અને તેમના શબ્દોમાં આક્રમકતાના બદલે સાથે મળીને કામ કરવાની ભાવના ઝળકતી હતી. ચૂંટણીપ્રચાર વખતે ડેમોક્રૅટ્સને નકામા ગણાવનારા ટ્રમ્પ હવે તેમની સાથે સહકાર અને સમાધાનની વાતો કરી રહ્યા છે. ચૂંટણીપ્રચારમાં તેમણે ચેતવણી આપી હતી કે જો રિપબ્લિકન હારી જાય તો હું ડેમોક્રૅટ્સના દરેક પ્રસ્તાવને અટકાવીશ.
એક મુલાકાતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ‘હું મારા કાર્યકાળના બાકીનાં બે વર્ષ દરમ્યાન વિપક્ષના દરેક બિલને વીટો કરવાને બદલે રાષ્ટ્રીય હિતમાં વિપક્ષ સાથે કામ કરવા માટે તૈયાર છું. હું વિપક્ષી નેતાઓ સાથે સંપર્કમાં છું અને અમેરિકાની પ્રગતિ માટે તેમની સાથે સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરીશ.’
લોકોને વિભાજિત કરવાના બદલે લોકોને એક કરનારા રાજકારણની તરફેણમાં મતદારોનો ચુકાદોઃ બરાક ઓબામા
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ૨૦૨૬ના મિડ-ટર્મ ઇલેક્શનમાં પરિણામો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘મતદારોએ એવા રાજકારણની તરફેણમાં સ્પષ્ટ સંદેશ આપ્યો છે જે લોકોને વિભાજિત કરવાને બદલે એકસાથે લાવે છે. લોકોએ એવા નેતાઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે જેઓ આવેલા પડકારોનું મજબૂત નિરાકરણ લાવે છે. આ પરિણામ એટલા માટે શક્ય બન્યું કારણ કે દેશના દરેક હિસ્સામાં મજબૂત ઉમેદવારો ઊભા રહ્યા હતા. તેઓ જુદા-જુદા બૅકગ્રાઉન્ડમાંથી આવ્યા હતા અને તેમની પાસે વિશાળ અનુભવ હતો. જોકે તેઓ લોકોની સેવા અને દેશને પ્રથમ રાખવામાં માને છે. ટ્રમ્પ પ્રશાસન એના કાર્યકાળના અંતિમ બે વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે હવે મતદારો દ્વારા આપવામાં આવેલા ચુકાદાનો જવાબ આપવા પર તેમણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’
મિડ-ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને મળેલા આંચકા બાદ ઈરાને બનાવ્યો AI વિડિયો, ખતરનાક કચરો ગણાવીને કચરાટોપલીમાં નાખ્યા
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની ભારતના ઈરાનના દૂતાવાસે ટ્રમ્પની જોરદાર મજાક ઉડાવી છે. સોશ્યલ મીડિયા પર મૂકવામાં આવેલી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ
(AI)ની મદદથી તૈયાર કરવામાં આવેલા વિડિયોમાં દૂતાવાસે એક દૃશ્ય શૅર કર્યું છે જેમાં કેટલાક લોકો ટ્રમ્પ લખેલા એક માણસના પૂતળાને જોખમી કચરો લખેલા ડબ્બામાં ફેંકતા જોવા મળે છે. વિડિયોની કૅપ્શનમાં ‘યુએસ મિડટર્મ ઇલેક્શન્સ’ લખ્યું છે. વિડિયોમાં કેટલાક ડેમોક્રૅટિક નેતાઓ પણ બતાવવામાં આવ્યા છે, જેઓ ટ્રમ્પને વાઇટ હાઉસમાંથી ખેંચીને કચરાપેટીમાં ફેંકી દેતા જોવા મળે છે. આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે ડેમોક્રૅટિક પાર્ટીને મિડ-ટર્મ ચૂંટણીમાં નોંધપાત્ર સફળતા મળી છે.
અમેરિકામાં ઇતિહાસ રચાયો: લાન્સ બૉટમ્સ દેશનાં પ્રથમ અશ્વેત મહિલા ગવર્નર બન્યાં
જ્યૉર્જિયા રાજ્યમાં એક નવો ઈતિહાસ રચાયો છે. ડેમોક્રૅટિક પાર્ટીનાં ૫૬ વર્ષીય નેતા કીશા લાન્સ બૉટમ્સે ગવર્નરપદના ઇલેક્શનમાં ભવ્ય જીત નોંધાવી હતી. આ સાથે જ તેઓ સમગ્ર અમેરિકાના ઇતિહાસમાં કોઈ પણ રાજ્યનાં સૌપ્રથમ અશ્વેત મહિલા ગવર્નર બન્યાં છે. આ ઉપરાંત, તેઓ જ્યૉર્જિયો રાજ્યનાં પણ પ્રથમ મહિલા ગવર્નર બન્યાં છે.
અમેરિકન સેનેટમાં પહોંચેલા સૌપ્રથમ મુસ્લિમ કર્ણાટકના જમાઈ છે
અમેરિકામાં મિશિગન સેનેટ બેઠક પર રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર માઇક રૉજર્સને હરાવીને ડેમોક્રૅટ અબ્દુલ અલ-સૈયદે ઇતિહાસ રચી દીધો હતો. તેઓ અમેરિકન સેનેટમાં ચૂંટાનારા સૌપ્રથમ મુસ્લિમ નેતા બન્યા છે. આ હાર સાથે રૉજર્સની સતત બીજી વખત સેનેટની ચૂંટણીમાં હાર થઈ છે. મિશિગનમાં ૧૯૯૪ પછી આજ સુધી કોઈ રિપબ્લિકન ઉમેદવાર સેનેટની ચૂંટણી જીતી શક્યો નથી. અબ્દુલ અલ-સૈયદ મેડિકલ ડૉક્ટર તરીકેની કારકિર્દી છોડીને પબ્લિક હેલ્થ અને રાજકારણમાં ઝંપલાવ્યું હતું. તેમણે ચૂંટણીપ્રચારમાં પણ સૌના માટે હેલ્થકૅર અને સરકારી જવાબદારી પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમના પિતા ઇજિપ્તથી સ્થળાંતર કરીને અમેરિકા આવ્યા હતા. તેમની ઝુંબેશ ‘સામાન્ય અમેરિકન માટે સરકાર’ના વિચાર પર આધારિત હતી. ઇઝરાયલના આલોચક હોવાને કારણે ડોનલ્ડ ટ્રમ્પે તેમને ચૂંટણીપ્રચારમાં ‘જેહાદી’ પણ કહ્યા હતા. અલ-સૈયદને ભારત સાથે ખને ખાસ કરીને કર્ણાટક સાથે ગાઢ સંબંધ છે. તેમનાં પત્ની ડૉ. સારા જુકાકુનાં મૂળ કર્ણાટકના ભટકલ અને બૅન્ગલોર સાથે જોડાયેલાં છે. ભટકલ મૅન્ગલોરથી ૧૪૦ કિલોમીટર દૂર આવેલું છે. સારાના દાદા જુકાકુ શમ્સુદ્દીન મૈસૂર રાજ્યના ભૂતપૂર્વ નાયબનાણા પ્રધાન હતા. અબ્દુલ અને સારા બન્ને યુનિવર્સિટી ઑફ મિશિગનમાં મળ્યાં હતાં. અબ્દુલ અલ-સૈયદે એક ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે હું આરબ કરતાં વધુ ભારતીય હોઈ શકું છું.
અમેરિકન કૉન્ગ્રેસ પર ડેમોક્રૅટ્સના કબજાથી ભારતને શું ફેર પડશે?
અમેરિકન કૉન્ગ્રેસના બેઉ સદનમાં ડેમોક્રેટિક પાર્ટીની બહુમતીના કારણે ભારત માટે પણ ઘણી ચીજો બદલાઈ શકે છે. ટ્રમ્પે ભલે બહુમતી ગુમાવી છે પણ વિદેશનીતિ તેમના અધિકારમાં રહેશે પણ ડેમોક્રૅટ્સને કાયદો બનાવવા માટે વધારે અધિકાર મળશે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ-ડીલ થઈ નથી અને ભારત માટે અમેરિકા એક વિશાળ માર્કેટ છે. સુપ્રીમ કોર્ટના આદેશથી ટૅરિફ ૧૦ ટકા સુધી નીચે આવી ગઈ છે પણ ભારત સાથેની ટ્રેડ-ડીલ હજી અધ્ધરતાલ છે. ડેમોક્રૅટિક પાર્ટીની જીતથી અમેરિકાની ઇમિગ્રેશન નીતિઓની વધારે સ્ક્રુટિની થશે અને રિપબ્લિકન પાર્ટીની સમર્થિત પ્રપોઝલો પર રોક લાગશે. ભારતીયો માટે સૌથી મહત્ત્વની બાબત H1B વીઝા છે અને ટ્રમ્પે એના અરજદારો પર એક લાખ ડૉલરની ફી લગાવી છે. આ નિયમ તાત્કાલિક ઉલટાવી શકાય એમ નથી.