05 December, 2025 12:06 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
લુકમાન ખાન
અમેરિકાના ડેલવેરમાં પાકિસ્તાની મૂળના ૨૫ વર્ષના સ્ટુડન્ટ લુકમાન ખાનને ભારે મોટી સંખ્યામાં અત્યાધુનિક હથિયારો, ગોળાબારુદ અને ‘બધાને મારો અથવા શહીદ થાઓ’ લખેલી એક નોટ સાથે પકડવામાં આવ્યો હતો. ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) દ્વારા થયેલી છાપામારીમાં તે એક પિકઅપ ટ્રકમાં બેઠેલો મળ્યો હતો. તેના વર્તન પર શંકા જવાથી અધિકારીઓએ તેની ટ્રકની તલાશી લીધી હતી અને તેમને એમાંથી અત્યંત ચોંકાવનારી ચીજો મળી હતી. ન્યુ યૉર્ક પોસ્ટના એક અહેવાલ મુજબ પોલીસને તેની પાસેથી ઑટોમૅટિક મશીનગનમાં કન્વર્ટ થઈ જતી ગ્લૉક પિસ્ટલ, ૨૭ રાઉન્ડ ફાયર થાય એટલી મૅગેઝિન્સ, બૉડી આર્મર અને એક અત્યંત શંકાસ્પદ નોટ મળી હતી. પિસ્ટલ એવી કિટમાં ફિટ કરેલી કે એ સેમી ઑટોમૅટિક રાઇફલની જેમ કામ કરી શકે. જે પ્રકારનાં અત્યાધુનિક હથિયારો તેની પાસે હતાં એ દર્શાવે છે કે એ કોઈ અંગત સેફ્ટી માટે તો નહોતાં જ. એટલું જ નહીં, એકેય હથિયાર રજિસ્ટર્ડ નહોતું અને તેની પાસે એનું લાઇસન્સ પણ નહોતું.
લુકમાન ખાનનાં કારસ્તાનો કેટલાં ચિંતાજનક છે એ તો FBIને તેની પાસેથી મળેલી એક નોટબુકમાંથી ખબર પડી હતી. એમાં હાથેથી લખેલી બુકમાં યુનિવર્સિટી ઑફ ડેલવેરના કૅમ્પસમાં હુમલો કરવાની યોજના વિશે લખ્યું હતું. એન્ટ્રી અને એક્ઝિટને માર્ક કરીને ચોક્કસ નકશો દોરેલો હતો અને સાથે લખ્યું હતું, ‘બધાને મારી નાખો કે શહાદત વહોરો.’
લુકમાનની ધરપકડ પછી પણ તેણે પોલીસને કહ્યું હતું કે શહીદ થવું એ સૌથી મોટી બાબત છે. આ યુવકનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો, પરંતુ બાળપણથી તે અમેરિકામાં રહે છે અને હવે અમેરિકાનો નાગરિક છે. જે મોટી માત્રામાં હથિયારો મળ્યાં છે એના પરથી FBI તેની સાથે બીજું પણ કોઈ સંકળાયેલું છે કે કેમ એની શોધ ચલાવી રહ્યો છે.