09 November, 2024 03:19 PM IST | Islamabad | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : સોશિયલ મીડિયા
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં (Pakistan Bomb Blast) એક મોટો આતંકવાદી હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ વિસ્તારના એક રેલવે સ્ટેશન પર એક મોટો બ્લાસ્ટ થયો છે જેમાં લગભગ 50 લોકો ઘાયલ અને 20 કરતાં વધુ લોકોનું મૃત્યુ થયું હોવાના સમાચાર છે. આ ઘટનામાં એક આતંકવાદીએ પોતાના શરીર પર બાંધેલા બૉમ્બ વડે આ આત્મઘાતી હુમલો કર્યો હતો. જે ટ્રેનમાં આ બ્લાસ્ટ થયો હતો તે ટ્રેનમાં આર્મી ઑફિસર હતા.
બલૂચિસ્તાનના (Pakistan Bomb Blast) ક્વેટા રેલવે સ્ટેશન પર શનિવારે નવ નવેમ્બરના રોજ સવારે મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે અને 50 કરતાં વધુ લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, સવારે 9 વાગ્યે પેશાવર જવા રવાના થનારી ઝફર એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થવા માટે મુસાફરો પ્લેટફોર્મ પર ભેગા થઈ રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ પાકિસ્તાની સેનાના જવાનોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. વિસ્ફોટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
બલૂચિસ્તાનની આઝાદી માટે આતંકવાદી (Pakistan Bomb Blast) ચળવળ ચલાવી રહેલા બલૂચ લિબરેશન આર્મી (BLA) ના માજીદ બ્રિગેડે આ આતંકવાદી હુમલાની જવાબદારી લીધી છે. BLA આતંકવાદી જૂથે કહ્યું કે તેણે ક્વેટાના રેલવે સ્ટેશન પર લશ્કરી કર્મચારીઓને નિશાન બનાવીને આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટ કર્યો હતો. ખોરાસાન ડાયરીએ ક્વેટાના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહ્યું કે, `આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે એક આત્મઘાતી બૉમ્બરે ઝફર એક્સપ્રેસના વેઇટિંગ એરિયામાં પોતાને ઉડાવી દીધો, જ્યાં સુરક્ષાકર્મીઓ બેઠા હતા. વિસ્ફોટમાં ઘણા નાગરિકો પણ માર્યા ગયા હોવાના સમાચાર છે. બૉમ્બ વિસ્ફોટ બાદ સુરક્ષા અને બચાવ ટુકડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને કાર્યવાહી શરૂ કરી હતી. મૃતકો અને ઘાયલોને ક્વેટાની સિવિલ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઘાયલોની વધતી સંખ્યાને જોતા હૉસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરવી પડી હતી. કટોકટીનો સામનો કરવા માટે ડૉકટરો અને પેરામેડિક્સ સહિત વધારાના તબીબી કર્મચારીઓને બહારથી બોલાવવામાં આવ્યા હતા.
એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, સિવિલ હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું છે કે પીડિતોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. એસએસપી ઓપરેશન મોહમ્મદ બલોચે જણાવ્યું કે બ્લાસ્ટ સમયે પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં મુસાફરો હાજર હતા. બલૂચિસ્તાનના મુખ્ય પ્રધાન સરફરાઝ બુગતીએ હુમલાની નિંદા કરી અને કહ્યું કે જવાબદાર આતંકવાદીઓને બક્ષવામાં આવશે નહીં. અગાઉ, એસએસપી મોહમ્મદ બલોચે (Pakistan Bomb Blast) કહ્યું હતું કે આ ઘટના "આત્મઘાતી વિસ્ફોટ જેવી લાગે છે, પરંતુ કંઈપણ કહેવું વહેલું છે." વિસ્ફોટનું સાચું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. અગાઉ, ઈધી રેસ્ક્યુ સર્વિસના વડા ઝીશાને કહ્યું હતું કે વિસ્ફોટ "રેલ્વે સ્ટેશનની અંદરના પ્લેટફોર્મ પર થયો હતો."