17 March, 2026 07:03 AM IST | un | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
ગઈ કાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે મોટો દાવો કરતાં કહ્યું હતું કે ‘અમેરિકાની સેનાએ ઈરાનના ખાર્ગ દ્વીપ પર હુમલો કરીને તમામ સૈન્ય-ઠેકાણાંઓને પૂરી રીતે તબાહ કરી નાખ્યાં છે. અમે દ્વીપ પર માત્ર તેલની પાઇપો અને તેલ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઢાંચાઓને છોડીને બધું જ ખતમ કરી નાખ્યું છે. અમે જાણીજોઈને પાઇપલાઇનો અને સુવિધાઓને ટચ નથી કરી.
અમેરિકાની સેનાએ ૩૦થી વધુ ખાણ બિછાવનારાં જહાજો અને સંબંધિત સૈન્ય-સુવિધાઓને નષ્ટ કરી નાખી છે.’ એટલું જ નહીં, ડોનલ્ડ ટ્રમ્પે વધુ ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘ઈરાન કે અન્ય કોઈ પક્ષ હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજોની સુરક્ષિત અવરજવરમાં બાધા ઉપત્ન કરશે તો અમેરિકા એના નિર્ણય પર પુનઃ વિચાર કરીને હોર્મુઝના તેલના ઢાંચાઓને પણ નિશાન બનાવી શકે છે. અમે એવું નથી કરવા માગતા, પરંતુ અમે એમ કરી શકીએ છીએ. માત્ર પાંચ મિનિટની સૂચના પર આ કામ થઈ જશે. એને ફરી બનાવવામાં બહુ લાંબો સમય લાગી જશે.’
હોર્મુઝ સ્ટ્રેટ પાસે ભારતીય નૌસેનાએ બે વૉરશિપ તહેનાત કર્યાં, ભારતીય તેલ-ગૅસ લઈને આવનારાં જહાજોને આપશે સુરક્ષા ભારતીય ઊર્જાપુરવઠાને સુરક્ષિત રાખવા માટે ભારતીય નૌસેનાએ એક મોટું પગલું ભર્યું છે. ભારતીય નૌસેનાએ બે ટાસ્ક ફોર્સ એટલે કે વૉરશિપને હોર્મુઝ પાસે તહેનાત કર્યાં છે જે વેપારી જહાજો અને તેલ-ગૅસ લઈને આવનારાં ટૅન્કરોને સુરક્ષિત રસ્તો આપવામાં મદદ કરે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ વૉરશિપ્સ તેલ-ગૅસ લઈને આવનારાં જહાજોને એસ્કોર્ટ કરે છે. નૌસેના આ જહાજોને તમામ સહાયતા અને સમર્થન આપશે. આ પગલાનો હેતુ ભારત આવનારાં તેલ અને ગૅસનાં જહાજોની અવરજવર સુરક્ષિત કરવાનો અને દેશની ઊર્જા-સપ્લાયને અડચણ વિના ચાલુ રાખવાનો છે.
અમેરિકાએ ચીન, ફ્રાન્સ, જપાન, દક્ષિણ કોરિયા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને યુરોપીય સંઘ પાસે સમુદ્રી માર્ગની સુરક્ષા માટે હોર્મુઝમાં વૉરશિપ મોકલવા કહ્યું હતું, પરંતુ કોઈ દેશે આ પ્રસ્તાવને હજી સુધી સ્વીકાર્યો નથી.