ન્યુ ઝીલૅન્ડમાં હવે ગાય-ભેંસના ઓડકાર પર ટૅક્સ નહીં લાગે

19 June, 2024 04:05 PM IST  |  Wellington | Gujarati Mid-day Correspondent

બર્પ ટૅક્સ એટલે ગાય-ભેંસ જેવાં પ્રાણીઓના ઓડકારમાં નીકળતા ચોક્કસ વાયુ પરનો ટૅક્સ.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - MidJourney)

ન્યુ ઝીલૅન્ડમાં ૨૦૨૨માં ક્લાઇમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને તત્કાલીન વડાં પ્રધાન જૅસિન્ડા એર્ડર્નની સરકારે બર્પ ટૅક્સ શરૂ કર્યો હતો. બર્પ ટૅક્સ એટલે ગાય-ભેંસ જેવાં પ્રાણીઓના ઓડકારમાં નીકળતા ચોક્કસ વાયુ પરનો ટૅક્સ. આ પ્રાણીઓના પાચનતંત્રમાં ચાર ભાગ હોય છે જેમાંથી એક રૂમેન હોય છે. રૂમેન આંશિક રીતે પચેલા ખોરાકને સંઘરે છે અને એમાં આથો પેદા કરે છે. એમાં ઘાસ અને અન્ય વનસ્પતિનું ફર્મેન્ટેશન થવાને કારણે મિથેન વાયુ ઉત્પન્ન થાય છે.

ગાય-ભેંસ અને ઘેટાં જેવાં પ્રાણીઓ ઓડકાર દ્વારા આ મિથેન હવામાં છોડે છે જે એક શક્તિશાળી ગ્રીનહાઉસ ગૅસ કહેવાય છે. ક્લાઇમેટ ચેન્જ માટે સૌથી વધુ જવાબદાર કાર્બન ડાયોક્સાઇડ બાદ મિથેન બીજા ક્રમે આવે છે. ગ્લોબલ વૉર્મિંગ માટે મિથેન ૩૦ ટકા જવાબદાર છે. ન્યુ ઝીલૅન્ડમાં દુધાળાં પ્રાણીઓની સંખ્યા જોતાં મિથેનનું મોટા પ્રમાણમાં ઉત્સર્જન થાય છે. દેશની ભૂતપૂર્વ સરકારે આ બાબતને નોંધીને બર્પ ટૅક્સ લાદ્યો હતો જેનો ખેડૂતોએ ભારે વિરોધ કરતાં નવી સરકારે એને નાબૂદ કરવાની જાહેરાત કરી હતી.

offbeat news life masala international news new zealand wellington