07 January, 2026 11:58 AM IST | America | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન અમેરિકાના ઇતિહાસમાં કોઈ પણ પ્રેસિડન્ટ કરતાં વધારે પેન્શન મેળવવાના છે. પેન્શન અને બીજાં બેનિફિટ્સ મળીને તેમને વર્ષે અંદાજે ૪,૧૭,૦૦૦ ડૉલર એટલે કે ૩ કરોડ ૭૫ લાખ રૂપિયા જેટલી આવક થવાની છે જે અત્યારે ઑફિસમાં રહેલા પ્રેસિડન્ટ કરતાં વધારે થઈ જશે. ડોનલ્ડ ટ્રમ્પને અત્યારે વર્ષે ૪ લાખ ડૉલર એટલે કે ૩.૬૦ કરોડ રૂપિયા જેટલો પગાર મળે છે. આટલી મોટી રકમ થવાનું કારણ છે બાઇડનની લાંબી પૉલિટિકલ કરીઅર. તેમને એક નહીં, બે પેન્શન-ફન્ડમાંથી લાભ મળવાના છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને દર વર્ષે પેન્શન અને બીજા લાભ મળીને વર્ષે કુલ ૪ લાખ ડૉલરની આવક થઈ રહી છે એને પણ બાઇડન વટાવી જવાના છે. મજાની વાત એ છે કે એક સમયે જો બાઇડન પોતાને ‘અમેરિકન કૉન્ગ્રેસનો સૌથી ગરીબ મેમ્બર’ ગણાવતા હતા અને નિવૃત્તિ પછી તેઓ કૉન્ગ્રેસના કોઈ પણ સભ્ય કરતાં વધુ આવક મેળવવાના છે. આ વિશે જાણકારોનું કહેવું છે કે ૮૩ વર્ષના જો બાઇડન સેનેટના મેમ્બર તરીકે, વાઇસ પ્રેસિડન્ટ તરીકે અને પ્રેસિડન્ટ તરીકે એમ ત્રણ હોદ્દા પર કુલ ૪૪ વર્ષ સેવા આપી ચૂક્યા છે એટલે તેમનો પેન્શનનો આંકડો મોટો થઈ ગયો છે.