08 April, 2026 08:02 AM IST | United States Of America | Gujarati Mid-day Online Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
Iran-US War Update: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા સીઝફાયરની જાહેરાત કરવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ઈરાન અને અમેરિકા બંને ૨ અઠવાડિયા માટે હુમલાઓ ન કરવા બાબતે સહમત થયા છે. એક તરફ ડોનલ્ડ ટ્રમ્પે ડેડલાઇન આપી હતી અને ઈરાનની સભ્યતાનો વિનાશ થઈ જશે એવી ધમકી પણ આપી હતી. આ ડેડલાઇન પૂર્ણ થાય એના ૨ કલાક પહેલા આ વ્હાઇટ હાઉસે કહ્યું છે કે ઈરાન પણ આ સીઝફાયર માટે માની ગયું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે બે સપ્તાહ માટે યુદ્ધવિરામની (Iran-US War Update) જાહેરાત કરી અને તેના થોડા જ સમય પછી તેહરાને આ સમજૂતીને સ્વીકારી લીધી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ લખ્યું છે કે, "જો ઈરાન સામેના ઍટેક બંધ કરવામાં આવેતો આપણા શક્તિશાળી સશસ્ત્ર દળો તેમની રક્ષણાત્મક કામગીરી બંધ કરી દેશે".
આ સાથે જ ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીરનો આભાર વ્યક્ત કર્યો હતો. યુદ્ધનો અંત લાવવા માટે તેમના અથાક પ્રયાસો બદ્દલ તેઓએ વખાણ પણ કર્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર શાહબાઝ શરીફે અમેરિકા અને ઈરાન વચ્ચે રાજદ્વારી વાટાઘાટો માટે યુદ્ધવિરામની દરખાસ્ત કર્યા બાદ ટ્રમ્પ દ્વારા સીઝફાયરનો આ નિર્ણય લેવાયો. ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ મીડિયા પર બે અઠવાડિયા માટે સિઝફાયની જાહેરાત કરીને જણાવ્યું છે કે આ સીઝફાયર ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ફરીથી ખોલવા માટે સંમત થાય એ કરાર પર કરવામાં આવ્યું છે.
ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આમ તો અમેરિકાએ તેના ઘણા લશ્કરી લક્ષ્યો હાંસલ કરી લીધા જ છે, અને હવે ઈરાન સાથે લાંબા ગાળાની શાંતિની (Iran-US War Update) સમજૂતી તરફ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઈરાન તરફથી દસ પોઇન્ટ્સનો પ્રસ્તાવ મળ્યો છે. જેને વાટાઘાટોના આધાર તરીકે જોવામાં આવી રહ્યો છે. ટ્રમ્પનો એવો પણ દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેના જૂના વિવાદના મોટાભાગના મુદ્દાઓ પર સમજૂતી થઈ ગઈ છે. હવે આ બે અઠવાડિયામાં આ કરારને અંતિમ સ્વરૂપ આપવાના પ્રયાસો કરવામાં આવશે.
જોકે, ટ્રમ્પ દ્વારા લેવાયેલ આ આકસ્મિક નિર્ણય ઈરાન સાથેની દુશ્મનાવટને (Iran-US War Update) સ્થગિત કરવા અને હોર્મુઝ સ્ટ્રેટને વ્યાપારી શિપિંગ ટ્રાફિક માટે ખોલવા માટેનો જ માનવામાં આવી રહ્યો છે. જોકે ઈરાન કહી રહ્યું છે કે હજુ પણ જળમાર્ગ પર તેઓ પ્રભુત્વ ધરાવે છે. ઈરાની સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનના અંતે અમેરિકા-ઈઝરાયેલને પણ કડક ચેતવણી આપવામાં આવી છે, અને તેમાં જણાવાયું છે કે અમારી આંગળીઓ ટ્રિગર પર છે જ,અને દુશ્મન સહેજ પણ ભૂલ કરશે તો તેનો પૂરી તાકાતથી જવાબ આપવામાં આવશે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે આ ટેમ્પરરી યુદ્ધવિરામ છે અને હાલમાં યુદ્ધનો કોઈ સ્પષ્ટ અંત નથી.