ઈરાનમાં વિરોધ-પ્રદર્શન બદલ ૧૯ વર્ષના કુસ્તીબાજ સાલેહ મોહમ્મદી અને બીજા બે યુવાનોને સઝા-એ-મૌત

21 March, 2026 10:18 AM IST  |  Tehran | Gujarati Mid-day Correspondent

આ વિરોધ-પ્રદર્શનોના સંદર્ભમાં અમલમાં મૂકવામાં આવેલી આ પ્રથમ ફાંસીની સજા હોવાનું મનાય છે

કુસ્તીબાજ સાલેહ મોહમ્મદી

યુદ્ધગ્રસ્ત ઈરાનના ન્યાયતંત્રએ જાન્યુઆરીમાં દેશભરમાં થયેલા લોહિયાળ વિરોધ-પ્રદર્શનો દરમ્યાન અટકાયતમાં લેવાયેલા ૩ યુવાનોને ગુરુવારે મોતની સજા ફરમાવી હતી અને આ ત્રણેય યુવાનોને ફાંસીના માંચડે ચડાવી દેવામાં આવ્યા છે. આ વિશેની સત્તાવાર જાહેરાત ઈરાન સરકાર દ્વારા કરવામાં આવી છે.

આ વિરોધ-પ્રદર્શનોના સંદર્ભમાં અમલમાં મૂકવામાં આવેલી આ પ્રથમ ફાંસીની સજા હોવાનું મનાય છે.

ફાંસી આપવામાં આવેલા આ ૩ યુવાનોમાં ૧૯ વર્ષના આશાસ્પદ કુસ્તીબાજ સાલેહ મોહમ્મદીનો પણ સમાવેશ થાય છે. આ ત્રણેય યુવાનો પર આરોપ હતો કે તેમણે કોમ શહેરમાં વિરોધ-પ્રદર્શન દરમ્યાન બે પોલીસ-અધિકારીઓની છરીના ઘા મારીને હત્યા કરી હતી.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં ફાટી નીકળેલા આ આંદોલને સમગ્ર દેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા કરી હતી જેમાં અનેક પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. માનવાધિકાર સંગઠનો આ મામલે ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે, પરંતુ ઈરાન સરકાર સુરક્ષાદળો પરના હુમલાઓને ગંભીર ગુનો ગણીને આકરી સજાના વલણને યથાવત્ રાખી રહી છે.

iran israel united states of america international news world news news