26 January, 2026 09:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેલવે પોલીસ ફોર્સ (RPF)ના આધુનિકીકરણ અને ડિજિટલ પરિવર્તન પહેલના ભાગરૂપે હ્યુમનૉઇડ રોબો ASC ARJUN તહેનાત કરવામાં આવ્યો છે.
ઈસ્ટકોસ્ટ રેલવેએ વિશાખાપટ્ટનમ રેલવે-સ્ટેશન પર હ્યુમનૉઇડ રોબો ASC ARJUN તહેનાત કર્યો છે. ભારતીય રેલવેમાં આ પ્રકારની પ્રથમ પહેલ છે. મુસાફરોની સલામતી, સુરક્ષા અને સેવાના વિતરણમાં સુધારો કરવા માટે અદ્યતન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવાની દિશામાં આ પહેલું પગલું છે. રેલવે પોલીસ ફોર્સ (RPF)ના આધુનિકીકરણ અને ડિજિટલ પરિવર્તન પહેલના ભાગરૂપે હ્યુમનૉઇડ રોબો ASC ARJUN તહેનાત કરવામાં આવ્યો છે. એ વિવિધ રેલવે-કામગીરી જેવી કે સુરક્ષા, મુસાફરોને સહાય, ભીડ-વ્યવસ્થાપન, સ્વચ્છતા-દેખરેખ અને સલામતીને પૂરક બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. મુસાફરોની પીક અવરજવર દરમ્યાન રોબો વધારે ઉપયોગી સાબિત થાય છે. આ રોબો સંપૂર્ણપણે વિશાખાપટ્ટનમમાં ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યો છે, જેમાં સ્વદેશી નવીનતા દ્વારા અત્યાધુનિક ટેક્નૉલૉજીનો સમાવેશ થાય છે. આ અદ્યતન ટેક્નૉલૉજીના વિકાસ માટે ટીમે એક વર્ષથી વધુ સમયથી કામ કર્યું છે.
આ હ્યુમનૉઇડ રોબો ફેસ રેકગ્નિશન સિસ્ટમ (FRS), AI-આધારિત ભીડ-દેખરેખ અને RPF કન્ટ્રોલ-રૂમમાં રિયલ-ટાઇમ ચેતવણી દ્વારા ઘૂસણખોરી શોધવામાં મદદ કરવા માટે સજ્જ છે. એ અંગ્રેજી, હિન્દી અને તેલુગુમાં સ્વચાલિત જાહેરાતો કરી શકે છે, મુસાફરોને માર્ગદર્શન આપવામાં અને સલામતી અને સુરક્ષા બાબતો પર જાગૃતિ સુધારવામાં મદદ કરે છે.
પૂર્વનિર્ધારિત માર્ગો અને અવરોધ ટાળવા પર સેમી-ઑટોનોમસ નેવિગેશન સાથે ASC ARJUN ૨૪ કલાક પ્લૅટફૉર્મ પર પૅટ્રોલિંગ કરી શકે છે. એ અસરકારક દેખરેખ રાખી શકે છે. આ રોબોમાં કટોકટીની પરિસ્થિતિઓમાં સમયસર પ્રતિભાવ આપવા માટે આગ અને ધુમાડા ડિટેક્શન પ્રણાલી પણ છે.