શનિવારે વાઇટ હાઉસની બહાર થયું ૩૦ રાઉન્ડ ફાયરિંગ

25 May, 2026 08:36 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ગોળીબાર વખતે ડોનલ્ડ ટ્રમ્પ અને પત્રકારો ઑફિસમાં જ હતા, ૨૧ વર્ષનો હુમલાખોર સુરક્ષા-અધિકારીઓના વળતા હુમલામાં ઢેર

વાઇટ હાઉસની બહાર હુમલો થયા પછી થયેલી નાકાબંધી.

અમેરિકાના વૉશિંગ્ટન DCમાં એક શંકાસ્પદ વ્યક્તિએ શનિવારે સાંજે છ વાગ્યે વાઇટ હાઉસની બહાર હુમલો કર્યો હતો. આ ઘટના ભારતીય સમય મુજબ રવિવારે રાતે લગભગ ૩.૩૦થી સવારે પાંચ વાગ્યાની વચ્ચેની છે. આ ઘટના સમયે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ વાઇટ હાઉસમાં હાજર હતા. શંકાસ્પદ અટૅકરે સિક્યૉરિટી ચેકપૉઇન્ટ પર અંધાધૂંધ ગોળીઓ ચલાવી હતી. અહીં અમેરિકાની સીક્રેટ સર્વિસના અધિકારીઓ તહેનાત હતા. તેમણે જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું હતું. આ ગોળી હુમલાખોરને લાગી હતી અને હૉસ્પિટલમાં લઈ જતી વખતે તેનું મોત થયું હતું. આ હુમલામાં એક સામાન્ય નાગરિકને ગોળી વાગતાં તે ઘાયલ થયો હતો. આ ગોળીબાર પછી ૪૦ મિનિટ સુધી લૉકડાઉન જેવી સ્થિતિ રહી હતી. 

હુમલાખોર પોતાને માનતો જીઝસ

બંદૂકધારી અટૅકરની ઓળખ ૨૧ વર્ષના નસીર બેસ્ટ તરીકે થઈ હતી. નસીર બેસ્ટ માનસિક રીતે અસ્વસ્થ હતો. પહેલાં પણ તે અનેક વાર વાઇટ હાઉસ પાસે ફરતો જોવા મળ્યો હતો. તેની સામે કોર્ટનો આદેશ હતો કે તેણે વાઇટ હાઉસની આસપાસ પણ ભટકવું નહીં, પણ શનિવારે તેણે એ આદેશ માન્યો નહોતો. જ્યારે તેને ગોળી વાગી અને હૉસ્પિટલમાં લઈ જવાઈ રહ્યો હતો ત્યારે તે પોતે જીઝસ છે એવું કહેતો હતો. 

ન્યુ યૉર્ક પોસ્ટના અહેવાલ મુજબ નસીર વાઇટ હાઉસથી એક બ્લૉક દૂર આવેલી સ્ટ્રીટ પર ટહેલતો હતો અને પછી અચાનક જ તેણે રિવૉલ્વર કાઢીને સુરક્ષા-ચોકી પાસે તહેનાત અધિકારીઓ પર ૩૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

international news world news united states of america donald trump Crime News white house