એક કારમાં પ્રવાસ કરતા એકમેકથી અજાણ ચાર ઇન્ડિયન અમેરિકનનાં આંચકાજનક મોત

05 September, 2024 05:00 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ટ્રકે ટક્કર મારી એને પગલે SUV સળગી ઊઠી અને ચારેય જીવતા ભૂંજાઈ ગયા, ઓળખ સ્થાપિત કરવા DNA ટેસ્ટ થશે ઃ કારપૂલ ઍપથી એક ગાડીમાં પ્રવાસ કરી રહ્યા હતા

અમેરિકાના ટેક્સસ રાજ્યમાં હાઇવે પર એક ટ્રકે સ્પોર્ટ્‌સ યુટિલિટી વેહિકલ (SUV)ને પાછળથી મારેલી ટક્કરમાં એક પછી એક પાંચ વાહનો અથડાયાં હતાં

અમેરિકાના ટેક્સસ રાજ્યમાં હાઇવે પર એક ટ્રકે સ્પોર્ટ્‌સ યુટિલિટી વેહિકલ (SUV)ને પાછળથી મારેલી ટક્કરમાં એક પછી એક પાંચ વાહનો અથડાયાં હતાં અને એમાં SUVમાં આગ ફાટી નીકળતાં એમાં પ્રવાસ કરી રહેલાં એક મહિલા સહિત ચાર ભારતીયોનાં સળગી જવાથી મૃત્યુ થયાં હતાં. તેમની ઓળખ સ્થાપિત કરવા ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) ટેસ્ટ કરાશે. આ તમામ ભારતીયો એક કારપૂલ ઍપના માધ્યમથી મળ્યાં હતાં અને તેઓ આર્કાન્સાસના બેન્ટનવિલ જઈ રહ્યાં હતાં.
જીવ ગુમાવનારી વ્યક્તિઓમાં આર્યન રઘુનાથ ઓરામપતિ, ફારુક શેખ, લોકેશ પલાચરલા અને દર્શિની વાસુદેવનનો સમાવેશ છે. ઓરામપતિ અને તેનો મિત્ર શેખ ડૅલસમાં કઝિનને મળીને પાછા આવી રહ્યા હતા. લોકેશ તેની પત્નીને મળવા માટે બેન્ટનવિલ જઈ રહ્યો હતો, જ્યારે દર્શિની તેના અંકલને મળવા જઈ રહી હતી. આ સૌ કારપૂલ ઍપથી મળ્યાં હોવાથી પોલીસ-અધિકારીઓ તેમની ઓળખ કરી શક્યા હતા, પણ તેમના મૃતદેહ એટલી હદે બળી ગયા છે કે હવે ઓળખ સ્થાપિત કરવા DNA ટેસ્ટ કરવામાં આવશે. દર્શિનીના પિતાએ વિદેશપ્રધાન એસ. જયશંકરને સોશ્યલ મીડિયામાં મેસેજ કરી તેમની ગુમ દીકરી વિશે તપાસ કરવાની માગણી કરી હતી.

road accident united states of america texas international news washington