24 January, 2026 11:22 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકાની સૌથી મોટી બૅન્ક જે. પી. મૉર્ગન ચેઝ અને એના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) જેમી ડિમોન પર ‘ડીબૅન્કિંગ’ બદલ પાંચ બિલ્યન ડૉલર (આશરે ૪૫,૮૦૦ કરોડ રૂપિયા)નો દાવો માંડ્યો છે. ટ્રમ્પે દાવો કર્યો કે જે. પી. મૉર્ગને એકપક્ષીય રીતે અને ચેતવણી કે ઉપાય વિના મારાં ઘણાં બૅન્ક-ખાતાં બંધ કરી દીધાં હતાં. બૅન્ક પર રાજકીય કારણોસર ખાતાં બંધ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ફ્લૉરિડા રાજ્યની માયામી-ડેડ કાઉન્ટી કોર્ટમાં ગુરુવારે આ દાવો દાખલ કરવામાં આવ્યો હતો.
આ કેસ ૨૦૨૧ની શરૂઆતમાં જે. પી. મૉર્ગન દ્વારા ટ્રમ્પનાં ખાતાં બંધ કરવાના નિર્ણયથી ઉદ્ભવ્યો હતો, જે ૬ જાન્યુઆરીએ ટ્રમ્પ-સમર્થકો દ્વારા અમેરિકાની રાજધાનીમાં થયેલાં રમખાણો પછી તરત જ થયો હતો. ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જો બાઇડન સામે ચૂંટણી હાર્યા બાદ ટ્રમ્પે વાઇટ હાઉસ છોડ્યાનાં થોડાં અઠવાડિયાં પછી જ આ બંધ કરવામાં આવ્યું હતું.
કેસ અનુસાર જે. પી. મૉર્ગને ૨૦૨૧ની ૧૯ ફેબ્રુઆરીએ ટ્રમ્પને જાણ કરી હતી કે એ તેમનાં અને સમગ્ર ટ્રમ્પ બિઝનેસ ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલાં ઘણાં ખાતાં ૬૦ દિવસમાં બંધ કરશે.
ટ્રમ્પની કાનૂની ટીમે દલીલ કરી હતી કે આ પગલાથી તેમની નાણાકીય કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો અને તેમની પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે બૅન્કે તેમને પ્રમાણભૂત બૅન્કિંગ નિયમોને બદલે રાજકીય દબાણને કારણે અસ્વીકાર્ય ક્લાયન્ટ માન્યા હતા.