07 March, 2026 10:25 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના સાતમા દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે પોતે શરૂ કરેલા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર લખ્યું હતું કે ઈરાન સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ત્યારે જ સંભવ છે જ્યારે એ કોઈ શરત વિના સરેન્ડર કરે. તેમણે કહ્યું હતું કે ‘એ પછી ઈરાનમાં નવા અને વધુ સારા નેતૃત્વની પસંદગી કરવામાં આવશે. અમેરિકા સહયોગી દેશો સાથે મળીને ઈરાનને આર્થિક રૂપથી ફરીથી મજબૂત બનાવવાનું કામ કરશે. મેક ઈરાન ગ્રેટ અગેઇન (MIGA)થી ભવિષ્યમાં ઈરાન પહેલાં કરતાં વધુ મજબૂત અને સમૃદ્ધ બની શકે છે.’
ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે મીડિયા સામે ધમકીભર્યા સ્વરે ઈરાનને ચીમકી આપતાં કહ્યું હતું કે ‘હું ફરી એક વાર ઈરાની રેવલ્યુશનરી ગાર્ડ, મિલિટરી અને પોલીસના તમામ સભ્યોને હથિયાર હેઠાં મૂકવાની અપીલ કરું છું, નહીંતર બધા માર્યા જશે. હવે ઈરાની લોકો માટે ઊભા રહેવાનો અને પોતાના દેશને પાછો મેળવવામાં મદદ કરવાનો સમય છે. ઇમ્યુનિટીનો સ્વીકાર કરો તો અમે તમને ઇમ્યુનિટી આપીશું, નહીંતર તમારે બધાએ મોતનો સામનો કરવો પડશે. અમે દુનિયાભરના ઈરાની ડિપ્લોમૅટ્સને પણ અપીલ કરીએ છીએ કે તેઓ શરણ માગી લે અને મોટી સંભાવનાઓવાળા એક નવા અને બહેતર ઈરાનને ઘડવામાં અમારી મદદ કરે. અમેરિકા એ પાકું કરશે કે દેશનું નેતૃત્વ કોઈ પણ કરે, ઈરાન અમેરિકા કે એના પાડોશી દેશો માટે કોઈ ખતરો નહીં બને.’
૭ દિવસના યુદ્ધ બાદ ઈરાનમાં લગભગ ૧૩૦૦થી વધુ હુમલા થયા છે જેમાં ૧૪ મેડિકલ સેન્ટરોને પણ નિશાન બનાવવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં ૧૩૩૨ લોકોનાં મૃત્યુ નોંધાયાં છે. ઈરાનમાં અનેક જગ્યાએ પાણી અને વીજળીની સપ્લાય ઠપ છે. ઇઝરાયલે ઈરાનનાં ૩૦૦ મિસાઇલ લૉન્ચર્સ તબાહ કરી નાખ્યાં હોવાનો દાવો કર્યો છે.