ઈરાન વાતચીત કરવા ઇચ્છે છે, પણ હવે બહુ મોડું થઈ ગયું છે

04 March, 2026 10:47 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

ઈરાનની ઍર ડિફેન્સ, વાયુસેના અને નૌસેના સંપૂર્ણ રીતે તબાહ થઈ ચૂકી હોવાનો દાવો કરતાં ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું...

ડોનલ્ડ ટ્રમ્પ

લગાતાર ચોથા દિવસે પણ ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલા કરવામાં કોઈ કસર છોડી નહોતી. સોમવારે ટ્રમ્પે કહેલું કે તેઓ ઈરાની નેતા સાથે વાતચીત કરવા તૈયાર છે, પરંતુ ગઈ કાલે તેમણે શરૂ કરેલા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર લખ્યું હતું કે ‘ઈરાનની ઍર ડિફેન્સ, ઍર ફોર્સ અને નેવી તબાહ થઈ ચૂકી છે. ઈરાનના પરમાણુ અને બૅલિસ્ટિક મિસાઇલના કાર્યક્રમો પર નિગરાનીના સમાધાન પર વાતચીત કરવાની ડિમાન્ડ માટે હવે બહુ મોડું થઈ ચૂક્યું છે. જોકે હજીયે સૈન્ય અભિયાનના સૌથી તીવ્ર ચરણની શરૂઆત હજી બાકી છે. એ તબક્કો પણ બહુ જલદીથી આવશે. એ બહુ મોટી લહેર હશે. અમે હજી સુધી પૂરી તાકાતથી તેમના પર હુમલો નથી કર્યો. મોટી કાર્યવાહી હજી બાકી છે. જોકે ઈરાન દ્વારા બાહરિન, જૉર્ડન, કુવૈત, કતર અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ સહિત અરબ દેશો પર મિસાઇલ અને ડ્રોન હુમલા એ સૌથી મોટું આશ્ચર્ય છે. પહેલાં આ યુદ્ધ ૩-૪ અઠવાડિયાં ચાલશે એવું લાગતું હતું, પણ હું એને લાંબું નથી ખેંચવા માગતો.’

ઈરાનની તબાહીના આંકડા

ઈરાની રેડ ક્રીસેન્ટ સોસાયટીએ જાહેર કરેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં અમેરિકા-ઇઝરાયલના હવાઈ હુમલાઓમાં ઈરાનમાં કમસે કમ ૭૮૭ લોકો માર્યા ગયા છે અને ૪૦૦૦થી વધુ લોકો ઘાયલ છે. જીવ ગુમાવનારાઓમાં સ્કૂલના ૧૬૦ વિદ્યાર્થીઓ હતા. હુમલામાં ઈરાનનાં ૧૫૩ શહેરોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં અને ૫૦૪ જગ્યાએ કુલ ૧૦૩૯ હુમલા થયા હતા.

ખામેનેઈનાં પત્નીનું પણ મૃત્યુ

ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મોત બાદ તેમનાં પત્ની ખોજસ્તેહનું પણ મૃત્યુ થયું હતું. અમેરિકા-ઈઝરાયલની ઍરસ્ટ્રાઇકમાં ખોજસ્તેહ ઘાયલ થયાં હતાં, પરંતુ બે દિવસ પછી તેમનું મૃત્યુ થયું હતું. ખોજસ્તેહ ૭૮ વર્ષનાં હતાં અને ખામેનેઈ સાથે તેમનાં લગ્ન ૧૯૬૪માં થયાં હતાં. તેમને ૬ સંતાનો હતાં.

ઈરાને કરેલા વળતા હુમલામાં પાડોશી દેશોને થયેલું નુકસાન

ઈઝરાયલમાં ૧૧ મૃત્યુ, સેંકડો ઘાયલ 
જૉર્ડનમાં પાંચ ઘાયલ
કુવૈતમાં ૩ મૃત્યુ, ૩૫ ઘાયલ 
બાહરિનમાં ૧ મૃત્યુ, ૪ ઘાયલ 
કતરમાં ૧૬ ઘાયલ 
યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં ૩ મૃત્યુ, ૬૮ ઘાયલ
ઓમાનમાં ૧ મૃત્યુ, ૫ ઘાયલ 
અમેરિકામાં ૬ મૃત્યુ, ૧૮ ઘાયલ
ઈઝરાયલ-અમેરિકાએ કરેલા હુમલામાં થયેલું નુકસાન
લેબૅનનમાં ૪૦ મૃત્યુ, ૨૪૬ ઘાયલ
ઇરાકમાં બે મૃત્યુ, પાંચ ઘાયલ

international news world news iran israel united states of america