28 February, 2025 07:05 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે એક નવી ગોલ્ડ કાર્ડ યોજનાની જાહેરાત કરી છે જે ૫૦ લાખ અમેરિકી ડૉલર (૪૩+ કરોડ રૂપિયા)માં વેચવામાં આવશે. આ ગોલ્ડ કાર્ડ યોજનાથી શ્રીમંત માઇગ્રન્ટો અમેરિકાની નાગરિકતા મેળવી શકશે અને એ હાલના ગ્રીન કાર્ડ કરતાં પ્રીમિયમ વર્ઝન રહેશે. એમાં ગ્રીન કાર્ડના ઘણા અધિકાર મળશે એટલું જ નહીં, અમીર માઇગ્રન્ટોને અમેરિકામાં રોકાણ કરવાની પણ તક પ્રાપ્ત થશે. હાલમાં જે EB-5 ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર વીઝા પ્રોગ્રામ છે એને બંધ કરીને ગોલ્ડ કાર્ડ યોજના લાવવામાં આવશે.
ડોનલ્ડ ટ્રમ્પ આશરે ૧૦ લાખ ગોલ્ડ કાર્ડ વેચવાનું વિચારી રહ્યા છે. રાષ્ટ્ર પર જે દેવું છે એને આ યોજના દ્વારા જલદી દૂર કરવામાં આવશે. આ યોજના વિશેની સંપૂર્ણ જાણકારી આગામી બે અઠવાડિયાંમાં આપવામાં આવશે. આ યોજનામાં રશિયનો અરજી કરી શકશે કે કેમ એવા સવાલનો જવાબ ટ્રમ્પે હકારમાં આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઘણા રશિયનો સારા લોકો છે.
EB-5 ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામ અમેરિકન કૉન્ગ્રેસે ૧૯૯૦માં શરૂ કર્યો હતો અને યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ દ્વારા ચલાવવામાં આવે છે. એનો ઉદ્દેશ અમેરિકાની ઇકૉનૉમીને બૂસ્ટ આપવાનો હતો, જેમાં ઘણી નોકરીઓનું સર્જન કરવામાં આવ્યું હતું.
જોકે કૉમર્સ સેક્રેટરી હૉવાર્ડ લુટનિકે મંગળવારે મીડિયાને કહ્યું હતું કે ‘EB-5 ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામ નૉન્સેન્સ પ્રોગ્રામ હતો, એમાં સસ્તા દરે ગ્રીન કાર્ડ મળતું હતું. આથી પ્રેસિડન્ટ ટ્રમ્પ એને હવે બંધ કરીને ગોલ્ડ કાર્ડ લાવશે.’