ચીનમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટઃ ૯૦ લોકોના મોત, ઘણા લોકો ગુમ

23 May, 2026 01:41 PM IST  |  Shanxi | Gujarati Mid-day Online Correspondent

China Coal Mine Blast: શુક્રવારે મોડી રાત્રે ચીનના કિન્યુઆન કાઉન્ટીમાં લ્યુશેન્યુ કોલસા ખાણમાં ગેસ વિસ્ફોટમાં ૯૦ લોકોના મોત; વિસ્ફોટ સમયે ૨૪૭ કામદારો ભૂગર્ભમાં ફરજ પર હતા; રાષ્ટ્રપતિ શી જિનપિંગ, વડા પ્રધાન લી કિયાંગનો બચાવ કામગીરી અને તપાસનો આદેશ

તસવીર સૌજન્યઃ એએફપી

શનિવારે ચીનના સરકારી મીડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઉત્તર ચીન (China)ના શાનક્ષી (Shanxi) પ્રાંતમાં આવેલી એક કોલસાની ખાણમાં ભયાનક ગેસ વિસ્ફોટ (China Coal Mine Blast) થવાને કારણે ઓછામાં ઓછા ૯૦ લોકોના મોત નીપજ્યા છે. આ અકસ્માત બાદ ડઝનબંધ મજૂરો હજુ પણ જમીનની અંદર ખાણમાં ફસાયેલા હોવાના અહેવાલ છે. વહીવટી તંત્ર દ્વારા હાલ મોટા પાયે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.

શુક્રવારે મોડી રાત્રે થયો વિસ્ફોટ

શુક્રવારે મોડી રાત્રે ઉત્તર ચીનના શાંક્ષી પ્રાંતમાં આવેલી `લિયુશેનયુ` કોલસાની ખાણમાં એક ભયાનક ગેસ વિસ્ફોટ સર્જાયો હતો. આ દર્દનાક અકસ્માતમાં જીવ ગુમાવનારા મજૂરોની સંખ્યા વધીને ૯૦ પર પહોંચી ગઈ છે, જ્યારે હજી પણ કેટલાક મજૂરો ગુમ હોવાનું કહેવાય છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) અને વડાપ્રધાન લી કિયાંગએ બચાવ કાર્યમાં સંપૂર્ણ તાકાત લગાડી દેવા અને ઘાયલોને યોગ્ય સારવાર આપવાના કડક નિર્દેશ આપ્યા છે.

ચીનની સરકારી મીડિયા એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર, આ ગેસ બ્લાસ્ટ શિન્હુઆ શુક્રવારે મોડી રાત્રે કિન્ગુઆન કાઉન્ટીની લિયુશેનયુ કોલસાની ખાણમાં થયો હતો. અકસ્માત સર્જાયો તે સમયે ખાણની અંદર ૨૪૭ મજૂરો કામ કરી રહ્યા હતા.

શી જિનપિંગે બચાવકાર્યમાં કોઈ કસર ન છોડવાનું આહ્વાન કર્યું

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વહીવટી તંત્ર અને અધિકારીઓને ઘાયલોની સારવાર તેમજ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં કોઈ કસર ન છોડવા માટે આહ્વાન કર્યું છે. આ સાથે જ તેમણે અકસ્માતના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને કાયદા અનુસાર કડક જવાબદારી નક્કી કરવાનો પણ આદેશ આપ્યો છે.

તેમ જ, ચીનના વડાપ્રધાન લી કિયાંગે પણ આ નિર્દેશોનું સમર્થન કર્યું હતું અને સમયસર તથા સચોટ માહિતી જાહેર કરવા તેમજ કડક જવાબદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.

કંપનીના અધિકારીઓ કસ્ટડીમાં

શિન્હુઆના અહેવાલ અનુસાર, અકસ્માત માટે જવાબદાર કોલસાની ખાણની કંપનીના અધિકારીઓની અટકાયત કરી લેવામાં આવી છે. આ અગાઉ, શિન્હુઆએ માત્ર આઠ લોકોના મોત થયા હોવાની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ૨૦૦ થી વધુ લોકોને સુરક્ષિત રીતે જમીનની બહાર કાઢી લેવામાં આવ્યા છે. જોકે, તેણે મૃત્યુઆંકમાં અચાનક થયેલા આટલા મોટા વધારા અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

આ દાયકાની સૌથી મોટી દુર્ઘટના

ચીને ૨૦૦૦ ના દાયકાની શરૂઆતથી વધુ કડક નિયમો અને સુરક્ષિત કાર્યપદ્ધતિઓ અપનાવીને, કોલસાની ખાણોમાં થતા અકસ્માતો અને તેના કારણે થતા મોત (જે મોટાભાગે ગેસ વિસ્ફોટ અથવા ખાણમાં પાણી ભરાવાને કારણે થતા હોય છે)ની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. જો કે, આ સુધારાઓ છતાં, આ ઘટનાને છેલ્લા એક દાયકામાં ચીનની અંદર બનેલી સૌથી ભયાનક અને જીવલેણ ખાણ દુર્ઘટનાઓમાંથી એક માનવામાં આવી રહી છે. હાલમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

china blast xi jinping international news world news news