11 December, 2025 11:33 AM IST | Canada | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કૅનેડાએ દેશમાં પહેલેથી જ કાર્યરત આંતરરાષ્ટ્રીય ડૉક્ટરોને જાળવી રાખવા માટે ફાસ્ટ-ટ્રૅક ઇમિગ્રેશન કૅટેગરીની જાહેરાત કરી છે, કારણ કે કૅનેડાની હેલ્થકૅર સિસ્ટમમાં નિષ્ણાત લોકોની તીવ્ર અછત છે. ઇમિગ્રેશન િમનિસ્ટરે જાહેરાત કરી હતી કે ઓછામાં ઓછા એક વર્ષનો કૅનેડિયન વર્ક એક્સ્પીરિયન્સ ધરાવતા વિદેશી ડૉક્ટરો માટે એક નવી એક્સપ્રેસ એન્ટ્રી કૅટેગરી બનાવવામાં આવશે. એક્સપ્રેસ એન્ટ્રી કાયમી નિવાસ માટે કુશળ કામદારોની પસંદગી માટે કૅનેડાની પૉઇન્ટ-આધારિત સિસ્ટમ છે. ૨૦૨૬ની શરૂઆતમાં નવી કૅટેગરી માટે ઇન્વિટેશન પ્રક્રિયા શરૂ થશે.
કૅનેડા સરકાર નોકરીની ઑફર ધરાવતા લાઇસન્સપ્રાપ્ત ફિઝિશ્યનોને નૉમિનેટ કરવા માટે પ્રાંતો અને પ્રદેશો માટે ૫૦૦૦ જગ્યાઓ પણ અનામત રાખશે. આ સ્લૉટ હેઠળ પસંદ કરાયેલા ડૉક્ટરોને ઝડપી, ૧૪ દિવસની વર્ક-પરમિટ પ્રક્રિયા પ્રાપ્ત થશે જેથી તેઓ કાયમી નિવાસની રાહ જોતી વખતે પ્રૅક્ટિસ ચાલુ રાખી શકે.