02 December, 2022 09:09 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : શું ચીન બૉર્ડર પર કોઈ મોટા કાવતરાને પાર પાડવા જઈ રહ્યું છે? અમેરિકન સંરક્ષણ મંત્રાલયના રિપોર્ટ સામે આવ્યા બાદ ભારતને આ આશંકા છે. અમેરિકન સંરક્ષણ મંત્રાલયના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે લદાખમાં બૉર્ડરની પાસે ચીન ઝડપથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યું છે. એટલું જ નહીં, પાકિસ્તાન જેવા મિત્ર દેશોમાં પોતાના મિલિટરી જવાનોની સંખ્યા વધારવા પર પણ કામ કરી રહ્યું છે. ચીને પોતાનાં પરમાણુ હથિયારો પણ વધારવાનું શરૂ કર્યું છે. અધૂરામાં પૂરું, ચીન આફ્રિકન દેશ જિબૂતીમાં એના પહેલા વિદેશી મિલિટરી બેઝમાં ઍરક્રાફ્ટ કૅરિયર્સ, વિશાળ યુદ્ધજહાજો અને સબમરીન્સને તહેનાત કરી શકે છે. ચોક્કસ જ એનાથી ઇન્ડિયન નેવીને સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ ઊંડી અસર થશે.
અમેરિકન કૉન્ગ્રેસને સોંપવામાં આવેલા અમેરિકન સંરક્ષણ વિભાગના ચીન પરના વાર્ષિક રિપોર્ટમાં આ મિલિટરી બેઝ વિશે વિગતો આપવામાં આવી છે. નોંધપાત્ર છે કે ચાર મહિના પહેલાં જ ચાઇનીઝ નેવીના એક વિશાળ જહાજ સાથેના આ બેઝની હાઈ-રેઝોલ્યુશન સૅટેલાઇટ ઇમેજીઝ આવી હતી.
અમેરિકાના સંરક્ષણ વિભાગના આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે માર્ચના અંતમાં FUCHI II ક્લાસ સપ્લાય જહાજ લુમહુ ત્યાં રોકાયું હતું, જે સૂચવે છે કે આ બેઝ પર કામગીરી ચાલી રહી છે. દરિયામાં આ માળખું હવે ચીનની નેવીના ઍરક્રાફ્ટ કૅરિયર્સ, યુદ્ધજહાજો અને સબમરીન્સને સમાવવા માટે સક્ષમ હોવાનું જણાય છે.
1500
અમેરિકાનો દાવો છે કે ૨૦૩૫ સુધીમાં ચીનની પાસે લગભગ આટલાં પરમાણુ હથિયારો રહેશે.