07 March, 2026 09:41 AM IST | Kathmandu | Gujarati Mid-day Correspondent
બાલેન શાહ
નેપાલમાં પાંચમી માર્ચે થયેલી સામાન્ય ચૂંટણી પછી મતગણતરી ચાલી રહી છે. ગઈ કાલે ૧૬૫ બેઠકો પરનો શરૂઆતનો જે ટ્રેન્ડ જોવા મળ્યો હતો એણે દેશની રાજનીતિમાં એક મોટા ભૂકંપનો સંકેત આપ્યો છે. અત્યાર સુધીનાં પરિણામો અને ટ્રેન્ડમાં જૂની અને પરંપરાગત પાર્ટીઓ અને ખાસ તો કમ્યુનિસ્ટ પાર્ટીઓનાં સૂપડાં સાફ થતાં હોય એવું દેખાઈ રહ્યું હતું. યુવાનોના ભારે સમર્થનથી આગળ વધેલી રહેલી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) એક મજબૂત પરિવર્તનની લહેર બનીને ઊભરી રહી છે. રૅપર રહી ચૂકેલા બાલેન શાહની RSP ૩ બેઠક પર જીત નોંધાવવાની સાથે ૧૧૦ સીટ પર આગળ ટ્રેન્ડ કરી રહી હતી. ગગન થાપાની નેપાલી કૉન્ગ્રેસ બે બેઠક પર જીત સાથે ૧૧ બેઠક પર આગળ હતી. કેપી શર્મા ઓલીની કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાલ હજી એક પણ બેઠક જીતી નથી અને માત્ર ૧૧ સીટ પર આગળ હતી.
પરિણામોમાં સૌની નજર હાઈ-પ્રોફાઇલ ઝાપા-5ની સીટ પર છે. અહીં કાઠમાંડુના ભૂતપૂર્વ મેયર અને RSPના વડા પ્રધાનપદના ઉમેદવાર બાલેન શાહ અને ૪ વાર વડા પ્રધાન રહી ચૂકેલા કેપી શર્મા ઓલી વચ્ચે સીધો મુકાબલો છે. મતોની ગણનામાં ઓલી ગઈ કાલે રાતે ૯ વાગ્યા સુધી ૧૦,૬૪૩ મતથી પાછળ ચાલી રહ્યા હતા.
નેપાલ ચૂંટણીપંચના અહેવાલ અનુસાર આ વર્ષે લગભગ ૬૦ ટકા વોટિંગ થયું હતું. મુખ્ય ચૂંટણીકમિશનર રામ પ્રસાદ ભંડારીએ કહ્યું હતું કે ‘૯ માર્ચ સુધીમાં મતોની ગણતરી પૂરી કરવાનું લક્ષ્ય છે. પહેલાં ડાયરેક્ટ ઇલેક્શન ૧૬૫ સીટ પર છે એનું પરિણામ આવશે. બાકીની ૧૧૦ બેઠક પરનો નિર્ણય પ્રપોર્શનલ રિપ્રેઝન્ટેશન સિસ્ટમ દ્વારા નક્કી થશે.’
આ ચૂંટણીમાં નેપાલમાં કુલ ૬૭ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા.