10 October, 2024 01:17 PM IST | Nepal | Gujarati Mid-day Correspondent
નિમા રિન્ઝી શેરપા
નેપાલના ૧૮ વર્ષ અને પાંચ મહિનાના નિમા રિન્ઝી શેરપાએ ૮૦૦૦ મીટરથી વધારે હાઇટનાં તમામ ૧૪ શિખર સર કરીને સૌથી નાની વયે આ સમિટ પૂરી કરવાનો વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે. ગઈ કાલે વહેલી સવારે તેણે આ પરાક્રમ કર્યા બાદ પોસ્ટ મૂકી હતી કે ‘આજે હું ૮૦૦૦ મીટરની મારી ૧૪મી સમિટની પીક પર ઊભો છું. મારો આ વર્લ્ડ રેકૉર્ડ હું ‘શેરપાપાવર’ નામના મારા પ્રોજેક્ટને સમર્પિત કરું છું.’
નિમાની સાથે તેના પાર્ટનર પસાંગ નૂરબા શેરપાએ પણ તમામ ૧૪ પીક સર કરી હતી. નિમાએ આ સફર સપ્ટેમ્બર ૨૦૨૨માં શરૂ કરીને માત્ર બે વર્ષમાં પૂરી કરી છે. ગયા મહિને ચીને તેને માઉન્ટ શિશાપંગમા સર કરવા માટેની પરવાનગી આપી હતી.
મેં પણ સર કર્યાં તમામ ૧૪ શિખર
નિમાની જેમ જ દાવા યાંગઝુમ શેરપા નામની ૩૩ વર્ષની યુવતીએ પણ બુધવારે ૮૦૦૦ મીટરથી વધારે હાઇટની તમામ ૧૪ પીક સર કરી લીધ છે. આ સમિટ પૂરી કરનારી નેપાલની તે પહેલી મહિલા છે.