19 December, 2022 11:08 AM IST | New York | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાનના વિદેશપ્રધાન બિલાવલ ભુટ્ટો
ન્યુ યૉર્ક : પાકિસ્તાનના વિદેશપ્રધાન બિલાવલ ભુટ્ટોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાંધાજનક કમેન્ટ કરતાં જ એનો દેશભરમાં ખૂબ જ વિરોધ થયો. એમ છતાં બિલાવલે ઝેર ઓકવાનું બંધ કર્યું નથી. ભુટ્ટોએ શનિવારે બળાપો વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મારી વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન કરવાને બદલે બીજેપીએ તેમના પોતાના દેશમાં ભારતીય મુસ્લિમો સાથે થતા ભેદભાવ અને તેમના પ્રત્યે રાખવામાં આવતી ધિક્કારની લાગણીનો વિરોધ કરવો જોઈએ.’
ન્યુ યૉર્કમાં પાકિસ્તાની મીડિયા સાથેની વાતચીતમાં બિલાવલે કહ્યું કે ‘ભારતના અત્યારના વડા પ્રધાને ગુજરાતમાં જે ભૂમિકા ભજવી છે એનો ઇતિહાસ સાક્ષી છે. બીજેપી કે આરએસએસ ગમે એટલો વિરોધ કરે, પરંતુ તેઓ ઇતિહાસને ખોટી રીતે રજૂ ન કરી શકે.’
તેણે વધુમાં કહ્યું હતું કે ‘તેમણે (ભારતીયોએ) ગુજરાતમાં મુસ્લિમોની હત્યાને પણ વખોડવી જોઈએ અને જે રીતે ભારતમાં મુસ્લિમો સાથે વર્તાવ કરવામાં આવે છે એને વખોડવો જોઈએ. કાશ, તેમણે મને ટાર્ગેટ કરવાને બદલે તેમના પોતાના મુસ્લિમ નાગરિકો માટે પણ વિરોધ-પ્રદર્શન કર્યાં હોત.’
દરમ્યાનમાં ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપ્યાને એક દિવસ બાદ પાકિસ્તાનનાં પ્રધાન શાઝિયા મર્રીએ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધની બિલાવલ ભુટ્ટોની નિમ્ન સ્તરની કમેન્ટ્સનો બચાવ કર્યો હતો.
તેણે ટ્વીટ કર્યું હતું કે ‘પાકિસ્તાનના વિદેશપ્રધાને તો ભારતીય પ્રધાનની ઉશ્કેરણીજનક કમેન્ટ્સનો જવાબ આપ્યો હતો. આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારત કરતાં પણ વધુ બલિદાન પાકિસ્તાને આપ્યું છે.’ તેણે એમ પણ જણાવ્યું હતું કે પાકિસ્તાન પરમાણુ શસ્ત્રો ધરાવતો જવાબદાર દેશ છે. નોંધપાત્ર છે કે એના એક દિવસ પહેલાં જ તેણે ભારતને પરમાણુ હુમલાની ધમકી આપતાં કહ્યું હતું કે ‘ભારતે ભૂલવું ન જોઈએ કે પાકિસ્તાન પાસે પણ પરમાણુ શસ્ત્રો છે. જો જરૂર પડશે તો અમે પાછળ નહીં હટીએ.’ નોંધપાત્ર છે કે પીએમ મોદી વિરુદ્ધની ભુટ્ટોની કમેન્ટનો ભારતમાં ખૂબ વિરોધ થયો હતો.