યમનમાં ચૅરિટી ઇવેન્ટમાં નાસભાગ, ૮૫નાં મોત

21 April, 2023 02:31 PM IST  |  Sana`a | Gujarati Mid-day Correspondent

લગભગ ૫૦૦૦ યમન રિયાલ (લગભગ ૧૦૬૮ રૂપિયા)નું દાન મેળવવા માટે સ્કૂલમાં સેંકડો લોકો એકઠા થયા હતા

યમનમાં ચૅરિટી ઇવેન્ટમાં નાસભાગ, ૮૫નાં મોત

યમનની રાજધાની સાનાના બાબ અલ-યમન જિલ્લામાં ગઈ કાલે એક ચૅરિટી વિતરણ પ્રસંગે થયેલી ધક્કામુક્કીમાં લગભગ ૮૫ લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે કે વધુ ૩૨૨ જણ ઈજાગ્રસ્ત થયા હોવાનું હૌથી સંચાલિત આરોગ્ય ઑ​થોરિટીએ જણાવ્યું હતું. 

અરેબિયન દ્વીપકલ્પના સૌથી ગરીબ મનાતા દેશ યમન પર પવિત્ર રમજાન મહિનાના અંતિમ દિવસોમાં ઈદ-ઉલ-ફિત્ર પહેલાં જ આ દુર્ઘટના થઈ છે. લગભગ ૫૦૦૦ યમન રિયાલ (લગભગ ૧૦૬૮ રૂપિયા)નું દાન મેળવવા માટે સ્કૂલમાં સેંકડો લોકો એકઠા થયા હતા. મૃતકો અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તથા ચૅરિટીનું વિતરણ કરનારાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા એમ બળવાખોરોની સબા ન્યુઝ એજન્સી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં આંતરિક મંત્રાલયે જણાવ્યું હતું. 

હૌથી સંચાલિત અલ-મસિરાહ ટીવીએ એના અહેવાલમાં કહ્યું હતું કે ગ્રુપના આંતરિક મંત્રાલયે એવો દાવો કર્યો હતો કે સ્થાનિક વેપારીઓએ કોઈ સંસ્થા કે મંત્રાલયના સહયોગ વિના આડેધડ વહેંચણી કરતાં ધક્કામુક્કી સર્જાતાં આ દુર્ઘટના થઈ હતી. 

મંત્રાલયના પ્રવક્તા ખાલિદ અલ-અજરીએ કહ્યું કે અધિકારીઓએ કોઈ સંકલન વિના વિતરણ કરવા બદલ જવાબદાર બે વેપારીઓની ધરપકડ કરી છે તથા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. 

international news yemen