ગલ્ફ દેશોમાં દ્રાક્ષ, કાંદા અને પપૈયાં લઈ જતાં ૧૦૦૦ કન્ટેનર JNPTમાં અટવાયાં

04 March, 2026 07:37 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

જળગાવનાં કેળાંનાં કન્ટેનર પાછાં ફર્યાં, બગડી જવાના ભયથી ભાવ ઘટાડ્યા

જવાહરલાલ નેહરુ પોર્ટ ઑથોરિટીમાં અટવાયેલાં કન્ટેનર.

યુદ્ધ જેવી કટોકટીમાં ફસાયેલા ગલ્ફ દેશોમાં ઍરસ્પેસ અને પોર્ટ બન્ને માર્ગો પરના ટ્રાન્સપોર્ટેશન પર નિયંત્રણ મૂકવામાં આવ્યાં છે એને કારણે ભારતમાંથી થતી નિકાસને મોટો ફટકો પડ્યો છે. જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) પર ૧૦૦૦થી વધુ કન્ટેનર અત્યારે ફસાયાં છે. આ કન્ટેનરમાં દ્રાક્ષ, કાંદા, પપૈયાં વગેરેનો સમાવેશ છે. ફસાયેલા કન્ટેનરમાંથી ૧૫૦ કન્ટેનરમાં નાશિકથી કાંદા આવે છે. દરેક કન્ટેનરમાં ૩૦ ટન જેટલા કાંદા હોય છે એટલે નાશિકના ૫૪૦૦ ટન કાંદાનું કન્સાઇનમેન્ટ અટક્યું છે.

૩૭૦ જેટલાં કન્ટેનર જે અગાઉથી દુબઈ પહોંચી ગયાં હતાં એ પણ ત્યાં ફસાયેલાં હોવાનું કહેવાય છે. આ જ માર્ગનો ઉપયોગ અમુક યુરોપિયન દેશોમાં નિકાસ માટે થાય છે એટલે યુરોપ જતાં કન્ટેનર પણ અત્યારે ફસાયાં છે. 

આ ઉપરાંત જળગાવથી પ્લાસ્ટિક મૅટ અને કેળાંની નિકાસ ગલ્ફ દેશોમાં થાય છે. રમઝાનને પગલે આ દેશોમાં કેળાં અને મૅટની ભારે ડિમાન્ડ હતી. ૫૦ કન્ટેનર કેળાં લઈ જતું જહાજ યુદ્ધને કારણે પાછું ફર્યું છે. આવતા અઠવાડિયે પચીસ કન્ટેનર મોકલવાનાં હતાં. કેળા જલદી બગડે એવી વસ્તુ હોવાથી માલના ભરાવાને લીધે કેળાંના ભાવમાં ઘટાડો થયો છે. આ માલને ક્યાં સ્ટોર કરવો એ પણ ચિંતાનો વિષય છે.

international news world news iran israel united states of america jalgaon dubai