જલારામબાપાની ચોથી પેઢીના વારસદારનું નિધન

28 August, 2016 05:23 AM IST  | 

જલારામબાપાની ચોથી પેઢીના વારસદારનું નિધન



વીરપુરના જલારામબાપાની ચોથી પેઢીના વારસદાર જયસુખબાપાનો ગઈ કાલે સાંજે પોણાપાંચ વાગ્યે રાજકોટમાં દેહવિલય થયો હતો. જયસુખબાપાનાં અંતિમ દર્શન આજે વીરપુરમાં રાખવામાં આવ્યાં છે, જ્યારે આવતી કાલે તેમના અંતિમ સંસ્કાર પણ ત્યાં જ કરવામાં આવશે. બાપાના દેહાંતના સમાચાર વીરપુર પહોંચતાંની સાથે જ વીરપુરની તમામ બજારોએ શોકમય બંધ જાહેર કરીને બજાર બંધ કરી દીધી હતી.

જલારામાબાપાના દીકરા હરિરામબાપા, તેમના દીકરા ગિરધરબાપા અને ગિરધરબાપાના સંતાન એટલે જલારામબાપાના ચોથી પેઢીના વારસદાર જયસુખબાપાની તબિયત છેલ્લા વીસેક દિવસથી નાદુરસ્ત હતી. જયસુખબાપાને ચાર સંતાનો છે. ચાર સંતાનો પૈકીના સૌથી મોટા દીકરા રઘુરામબાપા હાલના જલારામ મંદિરના ગાદીપતિ છે તો બીજા નંબરના દીકરા ભરત ચાંદ્રાણી રાજકોટમાં બિઝનેસ કરે છે, જ્યારે દીકરીઓ શીલાબહેન અને કીર્તિબહેન છે.

જલારામ મંદિરમાં કોઈ જાતનો ફાળો કે દાન લેવામાં આવતું નથી અને એ પછી પણ મંદિરમાં અન્નક્ષેત્ર ચાલે છે જેમાં દરરોજ હજારો ભાવિકો અને ભિક્ષુકો ભોજન લે છે. મંદિરમાં કોઈ જાતની દાનદક્ષિણા ન લેવાનો નિર્ણય પણ જયસુખબાપાએ જ બેથી અઢી દસકા પહેલાં લીધો હતો. આ નિર્ણય લેવાયા પછી પણ જલારામબાપાના અન્નક્ષેત્રમાં ક્યારેય કોઈ જાતની આર્થિક નાણાભીડ જોવા મળી નથી.