10 June, 2026 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આપણે જ્યારે પણ કોઈ સુંદર ઘરના ફોટો સોશ્યલ મીડિયા પર જોઈએ છીએ ત્યારે પહેલો વિચાર આવે છે કે વાહ કેટલું મસ્ત દેખાય છે ઘર, પણ શું તમે ક્યારેય એવું ઘર જોયું છે જેને જોતાં જ તમને એને સ્પર્શ કરવાનું મન થાય? આજકાલ હોમ-ડેકોરની દુનિયામાં એક નવો અને ખૂબ જ અનોખો ટ્રેન્ડ ધૂમ મચાવી રહ્યો છે જેનું નામ છે ટેક્ટાઇલ ઇન્ટીરિયર. આ એક એવો ટ્રેન્ડ છે જે માત્ર આંખોને જ નહીં, તમારી ત્વચા અને સ્પર્શની સંવેદનાને પણ આકર્ષિત કરે છે. આ લેટેસ્ટ ટ્રેન્ડને વિગતવાર ડીકોડ કરીએ અને જાણીએ કે તમે તમારા ઘરને આ ટ્રેન્ડ પ્રમાણે કેવી રીતે નવો લુક આપી શકો.
શું છે આ ટેક્ટાઇલ ઇન્ટીરિયર ટ્રેન્ડ?
ટેક્ટાઇલ એટલે કે જેનો સ્પર્શ અનુભવી શકાય. અત્યાર સુધી આપણે ઘરોમાં એકદમ લીસી, ચળકતી અને પ્લેન સપાટી જેમ કે સનમાઇકા, ગ્લોસી ટાઇલ્સ કે પ્લેન દીવાલ જોતા આવ્યા છીએ, પણ ટેક્ટાઇલ ટ્રેન્ડ આનાથી સાવ અલગ છે. આ ટ્રેન્ડનો મુખ્ય હેતુ ઘરમાં એવી વસ્તુઓ અને મટીરિયલનો ઉપયોગ કરવાનો છે જે થોડા ખરબચડા, ટેક્સ્ચર્ડ અને સ્પર્શ કરવાથી એક ખાસ ફીલ આપે. આ સજાવટમાં જ્યારે તમે સોફા પર બેસો, દીવાલને અડો કે પગ નીચેની કાર્પેટને અનુભવો ત્યારે તમને પ્રકૃતિની નજીક હોવાની કોઝી ફીલિંગ આવે છે.
આટલો લોકપ્રિય કેમ?
આજની ડિજિટલ લાઇફમાં આપણે આખો દિવસ મોબાઇલ ક લૅપટૉપની લીસી સ્ક્રીનને જ અડતા રહીએ છીએ. આનાથી આપણી સ્પર્શ કરવાની કુદરતી સંવેદના જાણે ગાયબ થઈ રહી છે. જ્યારે વ્યક્તિ પોતાના ઘરે આવે ત્યારે તેને એક માનસિક શાંતિ અને કનેક્શન જોઈએ. ટેક્ટાઇલ મટીરિયલ્સ ઘરમાં એક અર્થિંગ અથવા તો કુદરતી વાતાવરણ ઊભું કરે છે, જે માનસિક તાણ ઓછી કરવામાં મદદરૂપ સાબિત થાય.
તમારા ઘરને ટેક્ટાઇલ લુક કેવી રીતે આપશો?
ટેક્સચર્ડ દીવાલ : જો તમારે પણ તમારા ઘરને આ મૉડર્ન અને લક્ઝુરિયસ ટ્રેન્ડથી સજાવવું હોય તો પ્લેન પ્લાસ્ટિક પેઇન્ટને બદલે દીવાલો પર લાઇમ વૉશ, રૉ-કૉન્ક્રીટ ફિનિશ કે ક્લે પ્લાસ્ટર કરાવો. બ્રિક વૉલ અથવા પથ્થરનું ક્લેડિંગ પણ બેસ્ટ ઑપ્શન છે. જ્યારે લાઇટ આ ખરબચડી દીવાલો પર પડશે ત્યારે એનો શૅડો આખી રૂમનો લુક બદલી નાખશે.
કાપડની પસંદગી બદલો : સોફા, પડદા અને કુશન કવરમાં સિલ્ક કે સૅટિન જેવા લીસા કાપડને બદલે રીચ ટેક્સ્ચરવાળાં ફૅબ્રિક્સ વાપરો. રીંછના વાળ જેવું સૉફ્ટ અને ગૂંથેલું કાપડ અત્યારે સોફા માટે સુપર ટ્રેન્ડિંગ છે. પડદા અને બેડશીટ માટે લિનન બેસ્ટ છે જેનો નૅચરલ ક્રશ લુક બહુ સરસ લાગે છે. વેલ્વેટ અને કોર્ડુરોય જેવાં ફૅબ્રિકનો ઉપયોગ જે રૉયલ અને સૉફ્ટ ફીલ આપે છે.
ફર્નિચરમાં નૅચરલ વુડ અને કૅન : સનમાઇકા ચોંટાડેલા ફર્નિચરને બદલે જેમાં લાકડાના રેસા દેખાતા હોય એવું રૉ-વુડ ફર્નિચર પસંદ કરો. એ સિવાય નૅચરલ વાંસ અને નેતરમાંથી બનેલી ખુરસીઓ કે કૅબિનેટ્સ આ ટ્રેન્ડમાં ચાર ચાંદ લગાવી દેશે.
જૂટના રગ્સ : ઘરના ફ્લોરિંગ પર મોટી સાઇઝના જૂટના રગ્સ અથવા જાડી ગૂંથેલી કાર્પેટ પાથરો. ઘરની અંદર એન્ટર થતાં જ જ્યારે પગ આવા ટેક્સ્ચર પર પડશે ત્યારે થાક અડધો ઊતરી જશે.
ડેકોરેટિવ પીસ અને ઍક્સેસરીઝ : ટેબલ પર સિરૅમિક અથવા માટીનાં એવાં વાસણ મૂકો જે અન-ઈવન શેપનાં હોય અને જેની સપાટીને ટચ કરવાનું ગમે. મેટલની વસ્તુઓ વાપરવી હોય તો એકદમ ગ્લોસીને બદલે બ્રશ્ડ મેટલ, હેમર્ડ તાંબબું કે પિત્તળ પસંદ કરો.
શું કરવું અને શું ટાળવું?
અલગ-અલગ ટેક્સ્ચરને મિક્સ ઍન્ડ મૅચ કરો જેમ કે લેધર સોફા સાથે જૂટની કાર્પેટ.
અર્થ શેડ્સ જેમ કે ન્યુટ્રલ, વાઇટ, બેજ, બ્રાઉનનો વધુ ઉપયોગ કરો.
કુદરતી ઇન્ડોર પ્લાન્ટ્સ મૂકો જે રૂમમાં લાઇવ ટેક્સ્ચર ઉમેરે.
પ્લાસ્ટિકના કે આર્ટિફિશ્યલ મટીરિયલનો અતિરેક ન કરો.
બહુ ચમકતા અને ભડકતા કલરનો ઉપયોગ ટાળો, કારણ કે ટેક્સ્ચર પોતે જ એક હાઇલાઇટ છે.
આખી રૂમમાં બધી વસ્તુઓ લીસી અને ગ્લોસી ન રાખો.
સ્ટાઇલ ટિપ
ટેક્ટાઇલ ઇન્ટીરિયરનો મતલબ એવો બિલકુલ નથી કે તમારે આખું ઘર બદલી નાખવું. તમે ફક્ત થોડાં ટેક્સ્ચર્ડ કુશન કવર્સ, એક જૂટનો સરસ રાઉન્ડ રગ અને બે-ત્રણ સિરૅમિકના પૉટ્સ લાવીને પણ આ ટ્રેન્ડને અપનાવી શકો છો.