27 November, 2026 08:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
શિયાળામાં જેમ આપણે હૂંફાળાં અને મુલાયમ કપડાં પસંદ કરીએ છીએ એમ ઘરની સજાવટમાં પણ થોડા ફેરફાર કરીને ઘરને વધુ આરામદાયક બનાવી શકાય છે. સોફા પર પાથરવાની મુલાયમ શાલ, ફ્લોર-કુશન, ડાર્ક અને વૉર્મ કલરનાં કવર તથા આંખોને ગમે એવી પીળાશ પડતી લાઇટ્સ જેવી નાની બાબતો ઘરના દેખાવમાં મોટો બદલાવ લાવી શકે છે. જાણીએ ઓછા ખર્ચે ઘરને શિયાળા માટે કઈ રીતે તૈયાર કરી શકાય
શિયાળો આવે એટલે ઘરના વાતાવરણમાં થોડી હૂંફ ઉમેરવાની ઇચ્છા થાય છે. ઘરને વિન્ટર ટચ આપવા માટે તમારે નવું ફર્નિચર ખરીદવાની કે બજેટ બગાડવાની કોઈ જરૂર નથી. બસ ઘરની જૂની વસ્તુઓને નવી રીતે ગોઠવો અને કેટલાંક મુલાયમ ફૅબ્રિક ઉમેરો. તમારો લિવિંગરૂમ તરત જ વિન્ટર માટે રેડી થઈ જશે.
કુશનનાં કવર્સમાં ઉમેરો વૉર્મ કલર્સ
ઘરના લુકમાં રંગોની પસંદગી પણ મહત્ત્વની છે. શિયાળામાં રસ્ટ, મસ્ટર્ડ, મરૂન, બ્રાઉન, ટેરાકોટા અને ઑલિવ ગ્રીન જેવા રંગોનો ઉપયોગ કરી શકાય. સોફાનાં કુશન-કવર, પડદા કે ટેબલ-રનરમાં આ રંગોનો સમાવેશ કરો. જો ઘરની દીવાલો અને ફર્નિચર લાઇટ કલરના હોય તો વૉર્મ શેડ્સનાં કુશન-કવરથી રૂમમાં સુંદર કૉન્ટ્રાસ્ટ જોવા મળશે. જોકે બધા રંગો એકસાથે ઉમેરવાને બદલે બે કે ૩ રંગોનું કૉમ્બિનેશન રાખવું વધુ સારું રહેશે.
ફ્લોર પર પાથરો સૉફ્ટ રગ
શિયાળામાં ટાઇલ્સ કે માર્બલના ફ્લોર પર ચાલતી વખતે ઠંડક લાગે છે. આવા સમયે સૉફ્ટ અને જાડા ટેક્સ્ચરવાળી રગ ઉપયોગી બને છે. સોફા સામે અથવા જ્યાં બેસવાનું વધારે થતું હોય ત્યાં રગ પાથરી શકાય. એનાથી ફ્લોર પર બેસતી વખતે ઠંડક ઓછી લાગશે અને રૂમના લુકમાં પણ બદલાવ આવશે. રૂમ નાનો હોય તો લાઇટ કલરનો રગ પસંદ કરો, જ્યારે મોટા રૂમમાં પૅટર્નવાળો કે થોડા ડાર્ક કલરનો રગ સારો લાગશે.
પડદામાં લાવો થોડો બદલાવ
શિયાળામાં ઘરને વૉર્મ લુક આપવા માટે પડદામાં પણ ફેરફાર કરી શકાય. પાતળા અને ટ્રાન્સપરન્ટ પડદાને બદલે થોડા જાડા ફૅબ્રિકના પડદા પસંદ કરો. બેજ, બ્રાઉન, ઑલિવ ગ્રીન કે મરૂન જેવા રંગો રૂમને સુંદર વિન્ટર ટચ આપશે. દિવસના સમયે કુદરતી પ્રકાશ ઘરમાં આવે એ માટે પડદા ખુલ્લા રાખો અને સાંજે બંધ કરી દો. આમ પડદાનો રંગ અને ફૅબ્રિક બદલવાથી રૂમના દેખાવમાં નવો ફેરફાર આવશે.
સોફા પર ઉમેરો સૉફ્ટ થ્રો બ્લૅન્કેટ
વિન્ટર ડેકોરમાં થ્રો બ્લૅન્કેટનો ઉપયોગ સૌથી સરળ રીત છે. સોફા પર એક સૉફ્ટ અને ગરમ થ્રો બ્લૅન્કેટ રાખવાથી જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી શકાય છે અને સોફાનો લુક પણ બદલાય છે. વુલન, ફ્લીસ અથવા ચન્કી નીટ ફૅબ્રિકનું થ્રો બ્લૅન્કેટ પસંદ કરી શકાય. એને સોફા પર આખું પાથરી દેવાને બદલે એક બાજુ સહેજ વાળીને રાખો. સોફાના રંગ કરતાં અલગ શેડનું થ્રો બ્લૅન્કેટ પસંદ કરવાથી એ વધુ સુંદર દેખાશે. ઉદાહરણ તરીકે ગ્રે સોફા પર મસ્ટર્ડ કે મરૂન રંગનું થ્રો બ્લૅન્કેટ સારું લાગશે.
વૉર્મ લાઇટિંગથી બદલો રૂમનો માહોલ
ઘરમાં લાઇટિંગનો પ્રકાર બદલવાથી પણ રૂમનો આખો માહોલ બદલાઈ શકે છે. સફેદ અને બ્રાઇટ લાઇટને બદલે પીળાશ પડતી વૉર્મ વાઇટ લાઇટનો ઉપયોગ કરી શકાય. લિવિંગરૂમમાં ફ્લોર-લૅમ્પ, ટેબલ-લૅમ્પ અથવા નાની ડેકોરેટિવ લાઇટ્સ ગોઠવો. સાંજના સમયે માત્ર એક જ બ્રાઇટ લાઇટ ચાલુ રાખવાને બદલે રૂમના અલગ-અલગ ખૂણામાં ઝાંખો પ્રકાશ આપતી લાઇટ્સ ચાલુ રાખવાથી સરસ વાતાવરણ બને છે. ખાસ કરીને સોફા પાસે ટેબલ-લૅમ્પ રાખવાથી વાંચતી વખતે પણ ઉપયોગી થશે.
ફ્લોર-કુશનથી બનાવો કમ્ફી કૉર્નર
શિયાળામાં જમીન પર આરામથી બેસીને ગરમાગરમ ચા પીવાની, મનપસંદ પુસ્તક વાંચવાની કે પરિવાર સાથે ગપ્પાં મારવાની અલગ જ મજા હોય છે. આ માટે તમે લિવિંગરૂમના કોઈ એક શાંત ખૂણામાં મોટાં ફ્લોર-કુશન ગોઠવી શકો છો. આ જગ્યાને વધુ હૂંફાળી અને આરામદાયક બનાવવા માટે નીચે એક નાનો ગાલીચો પાથરો અને સાથે એક સૉફ્ટ થ્રો બ્લૅન્કેટ રાખો. કુશન માટે વેલ્વેટ, કૉટન અથવા વુલન ટેક્સ્ચર ધરાવતાં કવર પસંદ કરવાથી શિયાળામાં વધુ ગરમાવો અને આકર્ષક લુક મળશે. આ ઉપરાંત એકસરખાં કુશનને બદલે અલગ-અલગ સાઇઝ અને શેપનાં કુશનનું કૉમ્બિનેશન રાખવાથી તમારો આ કમ્ફી કૉર્નર વધુ સ્ટાઇલિશ લાગશે.
નાની ડેકોરેટિવ વસ્તુઓથી ઉમેરો હૂંફ
સેન્ટર-ટેબલ કે સાઇડ-ટેબલ પર લાકડાની ટ્રેમાં કેટલીક મીણબત્તીઓ, નાનું સિરૅમિક વાઝ કે પુસ્તકો ગોઠવી શકાય. લાકડાની વસ્તુઓ અને નૅચરલ ટેક્સ્ચર ઘરને વૉર્મ લુક આપે છે. જૂની ડેકોરેટિવ વસ્તુઓને નવી રીતે ગોઠવીને પણ આ બદલાવ લાવી શકાય છે. ટેબલ પર વધુ પડતી વસ્તુઓ ગોઠવવાને બદલે બે-ત્રણ વસ્તુઓનું સુંદર કૉમ્બિનેશન રાખો જેથી સજાવટ આકર્ષક અને વ્યવસ્થિત લાગે.