18 March, 2026 06:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્કાર્ફ મેચ્યોર ફેશનનમાં વધારે શાલીનતા ઉમેરે છે - પ્રતીકાત્મક તસવીરો
તમારા આઉટફિટમાં લેયરિંગ અને ઍક્સેસરીઝ સાથે એક્સપરિમેન્ટ ઉનાળામાં પણ કરી શકાય છે. હવે સ્કાર્ફ માત્ર ધૂળ કે તડકાથી બચવા માટે મોઢું છુપાવવાનું સાધન નથી રહ્યો પણ એ તમારા આખા લુકને લિફ્ટ આપતું એક લક્ઝુરિયસ સ્ટેટમેન્ટ બની ગયો છે. ભલે એ લાઇટવેઇટ લિનન હોય કે ક્લાસી સિલ્ક, એક નાનકડો સ્કાર્ફ તમારા સાધારણ કુરતા કે ડેનિમ ટી-શર્ટને પણ ઇન્સ્ટન્ટ રિચ વાઇબ આપી શકે છે. મૅચ્યોર ફૅશન-સેન્સ ધરાવતી આધુનિક નારી માટે સ્કાર્ફ હવે ગળામાં વીંટાળવા પૂરતો સીમિત નથી રહ્યો, એ તેની પર્સનાલિટીને પણ એલિવેટ કરે છે.
તડકાથી બચવા માટેની સ્માર્ટ સ્ટાઇલ્સ
માત્ર ગળામાં સ્કાર્ફ નાખવાને બદલે તડકા સામે રક્ષણ મેળવવા બીજી રીતે પણ સ્કાર્ફ સ્ટાઇલ કરી શકાય. સ્કાર્ફને ત્રિકોણાકાર વાળીને માથા પર એવી રીતે બાંધો જેથી તમારું કપાળ અને વાળ ઢંકાઈ જાય. એના છેડાને પાછળની તરફ ગાંઠ મારો. આનાથી સીધો તડકો માથા પર નહીં લાગે અને લુક પણ બોહો-ચિક લાગશે.
ટૂ-વ્હીલર ચલાવતી વખતે મોટા ચોરસ કૉટન સ્કાર્ફનો ઉપયોગ કરો. એને ડાયગ્નલી વાળીને ચહેરા પર બાંધો જેથી નાક, મોઢું અને ગરદન સુરક્ષિત રહે. ગરદનનો પાછળનો ભાગ સૌથી વધુ ટૅન થાય છે એટલે સ્કાર્ફ ત્યાં પ્રૉપર કવર થવો જોઈએ.
સ્કાર્ફને ગળાની આસપાસ ટાઇટ બાંધવાને બદલે લૂઝ રાખો. આનાથી હવાની અવરજવર થશે અને ગરદન પર ટૅનિંગ નહીં થાય.
કેવા પ્રકારના સ્કાર્ફ ટ્રેન્ડમાં છે?
ઉનાળામાં બને ત્યાં સુધી સફેદ, ક્રીમ, આછો પીળો કે પેસ્ટલ રંગ પસંદ કરો. પાઉડર બ્લુ, મિન્ટ, બેબી પિન્ક જેવા પેસ્ટલ કલર્સના સ્કાર્ફ ટ્રેન્ડમાં છે. આવા સ્કાર્ફ ઑફિસવેઅર કે ફૉર્મલ આઉટફિટ સાથે સારા લાગશે.
અજરખ અને ફ્લોરલ બ્લૉક પ્રિન્ટ્સના સ્કાર્ફ કુરતી કે ઇન્ડો-વેસ્ટર્ન લુક માટે સારા લાગશે.
અત્યારે ચાદર જેવા મોટા સ્કાર્ફ પણ આવે છે. એ વધુપડતા તડકામાં ટ્રાવેલિંગ કરતી વખતે વાપરી શકાય.
પોલ્કા ડૉટ્સ પ્રિન્ટના સ્કાર્ફ તમે કૅઝ્યુઅલ ડે આઉટ કે લંચ-ડેટ માટે યુઝ કરશો તો ક્લાસિક રેટ્રો વાઇબ આપશે.