27 November, 2023 01:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ફૉર્મલ અને ઇનફૉર્મલ લુકની વાત આવે ત્યારે પુરુષો ફક્ત તેમના અટાયર પર જ ધ્યાન આપે છે, પણ સૉક્સના કલર કે લેન્ગ્થ પર ધ્યાન આપતા નથી. બીજું એ કે સૉક્સ પહેરતી વખતે સીઝનના હિસાબે સૉક્સના ફૅબ્રિકની પસંદગી કરવી પણ જરૂરી છે નહીંતર તમે એને પહેરતી વખતે કમ્ફર્ટેબલ ફીલ નહીં કરો.
મૅચિંગ કોની સાથે?
સૉક્સ ટ્રાઉઝરના કલર હિસાબે કે પછી ફુટવેઅર સાથે મૅચિંગ કલરનાં પહેરવાં જોઈએ એવો સવાલ હંમેશાં આપણને થતો હોય છે. તો સૌથી પહેલો રૂલ તો એ છે કે ક્યારેય સૉક્સ અને શૂઝનો રંગ એક જ ન હોવો જોઈએ. સ્ટાઇલ એક્સપર્ટ કનિષ્ક શુક્લા કહે છે, ‘તમે સૉક્સ કયા અટાયર સાથે પહેરો છો એના પર આ વસ્તુ ડિપેન્ડ કરે છે. જો તમે ફૉર્મલ અટાયર સાથે સૉક્સ પહેરો તો તમે ટ્રાઉઝરના કલર સાથે મૅચિંગ સૉક્સ પહેરો. આનાથી બે ફાયદા થાય છે. એક તો ટ્રાઉઝરની લેન્ગ્થ વધુ લાંબી લાગે અને બીજું એ કે એનાથી સીમલેસ લુક મળે છે. જો તમારો આઉટફિટ કૅઝ્યુઅલ હોય તો તમે કૉન્ટ્રાસ્ટ કલરનાં સૉક્સ પહેરી શકો છો, જે તમારા ટ્રાઉઝર અને ફુટવેઅરના કલરથી બિલકુલ અલગ હોય. પણ કદી સૉક્સ અને શૂઝ બન્નેના રંગ અને શેડ્સ એક જ હોય એ ઠીક નથી.’
શેડમાં ધ્યાન
સૉક્સ પહેરવાનો એક જનરલ રૂલ એ પણ છે કે તમારાં સૉક્સનો શેડ તમારા ટ્રાઉઝર કરતાં થોડો ડાર્ક હોવો જોઈએ. જેમ કે નેવી બ્લુ ટ્રાઉઝર સાથે ડાર્ક બ્લુ સૉક્સ કે પછી ગ્રે ટ્રાઉઝર સાથે ડાર્ક અથવા બ્લૅક સૉક્સ સારો ઑપ્શન છે. કૅઝ્યુઅલ ઓકેઝન પર બ્રાઇટ કલર જેમ કે રેડ, યલો કલરનાં સૉક્સ બેસ્ટ રહેશે, જે તમારા લુકમાં વધુ કલર ઍડ કરશે. તમે જે કલરનાં કપડાં પહેર્ટાં હોય એ જ કલરનાં સૉક્સ જેમ કે રેડ શર્ટ પર રેડ સૉક્સ પહેરવાનો આઇડિયા પણ બેસ્ટ રહેશે. એનાથી સિસ્ટમૅટિક લુક આવશે.’
મોજાં ટૂંકાં કે લાંબાં?
મોજાંની લેન્ગ્થ પણ ઘણી મહત્ત્વની છે. ઍન્કલ લૅન્ગ્થ મોજાં દરેક વખતે સારાં ન લાગે. પ્રોફેશનલ એટિકેટ્સમાં કહેવાતું હોય છે કે લાંબાં સૉક્સ હોય એ પ્રોફેશનલ લુક માટે બહુ જરૂરી છે. કનિષ્ક શુક્લા કહે છે, ‘સૉક્સની લેન્ગ્થની વાત કરીએ ફૉર્મલ મીટિંગમાં જવા માટે મિડ કાફ સૉક્સ બેસ્ટ હોય છે, જે અડધી પિંડી સુધી આવે છે. બીજું એ કે મિડ કાફ સૉક્સ તમારા કાફ મસલ્સને કવર કરી લે છે, પરિણામે ઠંડીમાં પહેરવા માટે પણ એ એક સારો ઑપ્શન છે. આ સૉક્સ હંમેશાં બ્લુ, બ્લૅક, બ્રાઉન કલરમાં જ લેવાં જોઈએ. ઍન્કલ સૉક્સ થોડાં ઇનફૉર્મલ હોય છે. આમ તો આ સૉક્સ એવા લોકો માટે છે જે મોજાં તો પહેરવા માગે છે, પણ વધુ બહાર દેખાય નહીં એ રીતે. આ સૉક્સ ફક્ત પગની ઘૂંટી સુધીનાં જ હોય છે.’
ઠંડીમાં ફૅબ્રિક કેવું?
ઠંડીની સીઝનમાં પગને ગરમ રાખવા માટે કયા ફૅબ્રિકનાં સૉક્સ પહેરવા જોઈએ એ વિશે વાત કરીએ તો કૉટન, ઊન અને બામ્બુ બ્લેન્ડ બેસ્ટ ઑપ્શન છે જે તમારા પગને ગરમ રાખવાની સાથે ફ્લેક્સિબલ, બ્રીધેબલ અને લાઇટવેઇટ પણ છે. આ બધી જ ક્વૉલિટી તમારા પગને કમ્ફર્ટેબલ રાખે છે. સાથે જ બ્લેન્ડેડ ફૅબ્રિકથી બનેલાં સૉક્સ પહેરવાનું ટાળવું જોઈએ.