20 November, 2026 12:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંચાયત સીઝન 5 નું પોસ્ટર
OTTની લોકપ્રિય વેબ-સિરીઝમાં સ્થાન ધરાવતી ‘પંચાયત’ની પાંચમી સીઝનની રિલીઝ-ડેટ જાહેર કરવામાં આવી છે. મેકર્સે શૅર કરેલી માહિતી પ્રમાણે આ સિરીઝની પાંચમી સીઝનનું પ્રીમિયર ૩ ડિસેમ્બરે પ્રાઇમ વિડિયો પર થશે. આ નવી સીઝનમાં આ વખતે ફુલેરાની સત્તાનું સમીકરણ બદલાયેલું જોવા મળશે એના કારણે વાર્તામાં નવા વિવાદો અને રસપ્રદ વળાંકો આવવાની શક્યતા છે.
સિરીઝની પાંચમી સીઝનમાં દર્શકોને એના લોકપ્રિય કલાકારો ફરી એક વાર જૂનાં પાત્રોમાં જોવા મળશે. જિતેન્દ્રકુમાર અભિષેક ત્રિપાઠી એટલે કે સચિવજીના પાત્રમાં વાપસી કરશે. તેની સાથે રઘુવીર યાદવ, નીના ગુપ્તા, સુનીતા રાજવર, ફૈસલ મલિક, ચંદન રૉય, સંવિકા, દુર્ગેશ કુમાર અને અશોક પાઠક પણ મહત્ત્વની ભૂમિકાઓમાં જોવા મળશે.
અગાઉની ચારેય સીઝનમાં આ કલાકારોએ ફુલેરાના સામાન્ય લોકોનું જીવન, એમના સંબંધો અને ગામની રાજનીતિને જે રીતે પડદા પર રજૂ કરી છે એના કારણે આ સિરીઝને અલગ ઓળખ મળી છે. ખાસ કરીને સચિવજી, પ્રધાનજી, મંજુ દેવી અને વિકાસનાં પાત્રો દર્શકોમાં ઘણાં લોકપ્રિય રહ્યાં છે. પાંચમી સીઝનમાં પણ આ પાત્રો વચ્ચેની ચણભણ અને પરસ્પરના સંબંધો વાર્તાનો મહત્ત્વનો હિસ્સો બની રહેશે.