11 November, 2024 07:10 AM IST | Mumbai | Rashmin Shah
શક્તિમાન
ઇન્ડિયાના પહેલા સુપરહીરો શક્તિમાને દૂરદર્શન પર ૧૯૯૭થી ૨૦૦૫ સુધી એવી તે લોકચાહના મેળવી હતી કે આજે પણ લોકો સિરિયલ ‘શક્તિમાન’ અને શક્તિમાન બનતા ગંગાધરને ભૂલ્યા નથી. શક્તિમાન અને ગંગાધરનું કૅરૅક્ટર કરનારા મુકેશ ખન્ના આ પાત્રના કારણે ઘર-ઘરમાં અને ખાસ કરીને બાળકોમાં ખૂબ પૉપ્યુલર થયા. બે વર્ષ પહેલાં સોની પિક્ચર્સ સાથે ‘શક્તિમાન’ ફિલ્મની અનાઉન્સમેન્ટ પછી બે દિવસ પહેલાં મુકેશ ખન્નાએ પોતાના સોશ્યલ મીડિયા પર ‘ઇટ્સ ટાઇમ ટુ રિટર્ન’ની કૅચલાઇન સાથે શક્તિમાન ફરી આવશે એ સંદર્ભની પોસ્ટ મૂક્યા પછી ફૅન્સમાં ઉત્કંઠા જાગી હતી કે શું ‘શક્તિમાન’ સિરિયલ તરીકે ફરી આવશે? પણ ના, એવું નથી. આ વખતે ‘શક્તિમાન’નું નવું જ રૂપ એના ફૅન્સ સામે આવવાનું છે.
દેશની આઝાદી માટે શહીદ થનારા ક્રાન્તિવીરોની વીરતાની વાત શક્તિમાન સ્કૂલનાં બાળકોની સામે ગીતના રૂપમાં કરશે જે સૉન્ગ આજે મુકેશ ખન્નાના સોશ્યલ મીડિયા પર અપલોડ થશે. આજે બાળકો જ્યારે ક્રાન્તિવીરોને ભૂલતાં જાય છે એવા સમયે શક્તિમાન આવીને બાળકોને આ ક્રાન્તિવીરોનો સાચો પરિચય કરાવે છે એ પ્રકારનું આ સૉન્ગ મુકેશ ખન્નાએ પોતે જ ગાયું છે.
મુકેશ ખન્નાની ઇચ્છા છે કે હવે સમયાંતરે બાળકો માટે આ પ્રકારે કૅરૅક્ટર શક્તિમાનની સાથે કન્ટેન્ટ તૈયાર કરતા રહેવી અને સોશ્યલ મીડિયા પર મૂકતા રહેવી. મુકેશ ખન્નાએ કહ્યું હતું, ‘આપણે ઘણુંબધું બાળકોને કહેવાનું ભૂલી જતા હોઈએ છીએ, એ જવાબદારી હવે શક્તિમાન સંભાળશે.’