25 May, 2026 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટીવી-ઍક્ટર નકુલ મહેતાની પત્ની જાનકી પારેખે ડોનેટ કર્યાં બ્રેસ્ટ મિલ્કનાં ૯૦ પૅકેટ
ટીવી-ઍક્ટર નકુલ મહેતાની પત્ની જાનકી પારેખે તાજેતરમાં સોશ્યલ મીડિયા પર શૅર કર્યું હતું કે તેણે નિયોનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (NICU)માં રહેલાં બાળકો માટે બનાવવામાં આવેલી મિલ્ક બૅન્કને પોતાના બ્રેસ્ટ મિલ્કનાં ૯૦ પૅકેટ ડોનેટ કર્યાં છે. પોતાની આ દાનયાત્રાની શરૂઆત ગણાવતાં જાનકીએ એક ઇમોશનલ નોંધ લખી હતી, જેમાં તેણે છેલ્લા કેટલાક મહિનાથી ભેગા કરાયેલા દૂધને દાન કરતી વખતે અનુભવેલી લાગણીઓ વિશે જણાવ્યું હતું.
જાનકીએ પોતાની આ નોંધમાં લખ્યું હતું, ‘ગઈ કાલે મેં મિલ્ક બૅન્કને મારા પ્રથમ દાન તરીકે મારા બ્રેસ્ટ મિલ્કનાં ૯૦ પૅકેટ આપ્યાં અને હું ખરેખર ઇમોશનલ થઈ ગઈ હતી. મારા મનમાં અનેક લાગણીઓ ઊભરી રહી હતી અને હું આખો દિવસ વચ્ચે-વચ્ચે રડતી રહી. મારી દીકરી રૂમીના જન્મ પછીથી હું દરરોજ દૂધ કાઢતી રહી છું. અડધી ઊંઘમાં અને થાકેલી હાલતમાં પણ હું પોતાને કહેતી હતી કે બસ એક વાર વધુ. એક પછી એક પૅકેટ. લેબલ લગાવવું, સ્ટોર કરવું, જગ્યા બનાવવી અને મારા મનમાં હંમેશાં આ વિચાર રહેતો હતો કે કદાચ મારી દીકરીને ક્યારેક તેની જરૂર પડશે.’
પોતાની દીકરી વિશે વાત કરતાં જાનકીએ કહ્યું હતું કે તેમની દીકરી રૂમી હવે નવ મહિનાની થઈ ગઈ છે અને તે હજુ પણ બ્રેસ્ટ મિલ્ક પી રહી છે. પોસ્ટમાં જાનકીએ આગળ લખ્યું હતું, ‘મને બિલકુલ અંદાજ નહોતો કે આ નાનકડી દૂધની થેલીઓમાં મારા માટે એટલી બધી લાગણીઓ છુપાયેલી હશે કારણ કે મારા માટે આ માત્ર દૂધ નહોતું; આ અનુશાસન હતું, મહેનત હતી, પ્રેમ હતો. છેલ્લા કેટલાક મહિનામાં મારા શરીરે જે કંઈ સહન કર્યું છે એ બધું એમાં સામેલ છે.’