‘DID સુપર મૉમ્સ’ની સ્પર્ધકના દીકરાના શિક્ષણની જવાબદારી લીધી મિકા સિંહે

09 September, 2022 02:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝીટીવી પર આવતા આ રિયલિટી શોમાં એક-એકથી ચડિયાતા પર્ફોર્મન્સની સાથે જ સ્પર્ધકોના જીવનની સ્ટોરી પણ લોકોને જાણવા મળે છે

મિકા સિંહ

‘DID સુપર મૉમ્સ’માં કન્ટેસ્ટન્ટ વર્ષાના દીકરાના એજ્યુકેશનની જવાબદારી મિકા સિંહે ઉપાડી છે. ઝીટીવી પર આવતા આ રિયલિટી શોમાં એક-એકથી ચડિયાતા પર્ફોર્મન્સની સાથે જ સ્પર્ધકોના જીવનની સ્ટોરી પણ લોકોને જાણવા મળે છે. દર શનિવારે અને રવિવારે રાતે ૯ વાગ્યે આ શો ટેલિકાસ્ટ કરવામાં આવે છે. આ શોમાં રેમો ડિસોઝા, ભાગ્યશ્રી અને ઊર્મિલા માતોન્ડકર જજની ખુરશી સંભાળે છે. આ વખતે મિકા સિંહ, કુમાર સાનુ, પુનિત પાઠક અને સની લીઓની ગેસ્ટ તરીકે હાજર રહ્યાં હતાં. એ શોમાં વર્ષાએ ‘યે કાલી કાલી આંખેં’ પર ડાન્સ પર્ફોર્મ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સાથે જ પોતાની સ્ટ્રગલની સ્ટોરી પણ એ મંચ પરથી સંભળાવી હતી. એ સાંભળીને મિકા પણ ઇમોશનલ થઈ ગયો હતો. એ વિશે મિકાએ કહ્યું કે ‘હું જાણું છું કે વર્ષા તેના દીકરા માટે કેવા પ્રકારની સ્ટ્રગલ કરી રહી છે. મારું એવું માનવું છે કે જે મહેનત કરે છે તેઓ સ્ટ્રગલ નથી કરતા. મને જાણવા મળ્યું છે કે વર્ષા હરિયાણાની છે, જે મારા ઘરની નજીક છે. હું તેના દીકરાના શિક્ષણની જવાબદારી લેવા માગું છું. વર્ષા જે પણ સ્કૂલ કહેશે એમાં તેના દીકરાનું ઍડ્મિશન કરાવી આપીશ. સાથે જ તેના સમગ્ર એજ્યુકેશન માટે જરૂરી મદદ પણ હું પૂરી પાડીશ.’

entertainment news indian television television news dance india dance mika singh