04 February, 2022 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણ અને તેજસ્વી
કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ એકબીજાના પ્રેમમાં ગળાડૂબ છે. આ બન્ને ‘બિગ બૉસ 15’માં મળ્યાં હતાં. ઘરની અંદર તેમનો પ્રેમ પાંગર્યો હતો. હવે ઘરની બહાર આવીને તેમના રિલેશન વધુ મજબૂત બન્યા છે. તેમના પરિવારે પણ બન્નેના રિલેશનને સ્વીકારી લીધા છે. આ વખતની સીઝન તેજસ્વી પ્રકાશ જીતી ગઈ છે. લગ્ન વિશે પૂછવામાં આવતાં કરણે કહ્યું કે ‘અમે સિરિયસ રિલેશનશિપમાં છીએ અને ‘બિગ બૉસ 15’માંથી બહાર આવ્યા બાદ અમે એને લઈને ચર્ચા પણ કરી હતી. અમે બન્ને જ્યારે શોમાં હતાં ત્યારે બન્નેને એક પ્રકારનો ડર લાગતો હતો, બહારની દુનિયામાં આવ્યા બાદ એકબીજા સાથે કેવો સંબંધ રહેશે એની જાણ નહોતી. તમે શોની અંદર હો ત્યારે તમે એકબીજા પર આધાર રાખો છો. એકબીજાની નજીક આવો છો. ઘરની બહાર નીકળીશું તો શું થશે એ બધા વિચારો મારા મનમાં આવતા હતા. જોકે અમે એકબીજાની ખૂબ નજીક આવી ગયા છીએ. અમારા રિલેશન સાથે અમે વધુ સ્ટ્રૉન્ગર બની ગયાં છીએ. અમે એકબીજા સાથે વધુ સમય પસાર કરીએ છીએ. એથી આશા છે કે બધું જ સારી રીતે પાર પડે. અમારા બન્નેના પરિવારે અમારા રિલેશનનો સ્વીકાર પણ કરી લીધો છે. જોકે લગ્ન માટે ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યાં છીએ.’
તેજસ્વીનો સ્વભાવ પઝેસિવ છે. એ વિશે કરણે કહ્યું કે ‘તે મારી સાથે જે રીતે પઝેસિવ થાય છે મને એ ગમે છે. મારા માટે તો તે આખા જગત સાથે લડી બેસશે અને તે આખાબોલી પણ છે. આનાથી વધુ સારું કોઈ યુવકને શું જોઈએ? તે પણ જાણે છે કે હું પણ તેને લઈને અતિશય પઝેસિવ છું. ક્યારેક તો તે જાણીજોઈને મને ખીજવે છે જેથી તે જાણી શકે કે હું કેટલો પઝેસિવ છું. મને લાગે છે કે અમારા વચ્ચેની કેમિસ્ટ્રી ખૂબ સરસ છે. તે મારા માટે પઝેસિવ હોય તો એનો મને કોઈ વાંધો નથી. ખરું કહું તો મને એ ગમે છે.’