26 March, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દીપિકા ચિખલિયા (ફાઇલ તસવીર)
શેમારૂ ઉમંગ પર પ્રસારિત થતો લોકપ્રિય શો ‘બડી હવેલી કી છોટી ઠકુરાયણ’ હવે એક નવો અને અનોખો ટ્વિસ્ટ લાવી રહી છે. હાલના ટ્રેકમાં ચૈના (દીક્ષા ધામી અભિનિત પાત્ર) માટે પરિસ્થિતિઓ વધુ મુશ્કેલ બનતી જાય છે. ચમકીલી (ઈશિતા ગાંગુલી અભિનિત પાત્ર) પોતાના ષડયંત્રથી આખા પરિવારને ચૈના વિરુદ્ધ કરવામાં સફળ નીવડે છે. પરંતુ, હવે વાર્તામાં એક નવો ટર્ન આવશે, જ્યારે ‘ગુરુ મા’ તરીકે એક દૈવીય શક્તિ પ્રગટ થશે. આ વિશિષ્ટ પાત્ર સીતામાતા તરીકે જાણીતી અને અનુભવી અભિનેત્રી દીપિકા ચિખલિયા (Dipika Chikhlia) ભજવશે, જે આખી વાર્તાને એક નવી દિશા આપશે.
રામાનંદ સાગરની ‘રામાયણ’માં સીતામાતા તરીકે કરોડો દર્શકોના હૃદયમાં વસેલી દીપિકા ચિખલિયા હવે ફરી એકવાર એક મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. તે એક આધ્યાત્મિક ગુરુ તરીકે પ્રગટ થશે, જે ચૈનાને જણાવશે કે તે જયવીર (શીલ વર્મા અભિનિત પાત્ર) ની રક્ષક છે. દીપિકા ચિખલિયાની એન્ટ્રી પછી હવેલીમાં અનેક મોટા પરિવર્તનો આવશે, જેનાથી ચમકીલીની ચાલ નબળી પડશે.
ચૈનાનું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી દીક્ષા ધામી માટે દીપિકા ચિખલિયા સાથે કામ કરવું એક સ્વપ્ન હતું. દીક્ષા કહે છે, “આપણે સૌ આપણા માતા-પિતા પાસેથી સાંભળતા આવ્યા છીએ કે દીપિકા ચિખલિયાજી (Dipika Chikhlia), જેમણે સીતામાતાનું પાત્ર ભજવ્યું હતું, તેમને આજે પણ લોકો આદર અને શ્રદ્ધાથી યાદ કરે છે. જ્યારે મેં મારા માતા-પિતાને કહ્યું કે, હું દીપિકા ચિખલિયાજી સાથે કામ કરી રહી છું, ત્યારે તેઓ ખૂબ ખુશ થયાં હતાં. મારા કહ્યાં પહેલા જ, તેમણે આ ખુશખબરી પરિવાર અને મિત્રોને જણાવી દીધી!”
દીક્ષા વધુમાં કહે છે, “દીપિકાજી એક દિગ્ગજ કલાકાર હોવા છતાં ખુબ જ સરળ અને વિનમ્ર છે. તેમની સાથે કામ કરવું મારા માટે જીવનની એક અનમોલ તક છે. જે રીતે તેઓ દરેક દૃશ્યને જીવંત અને ભાવનાત્મક બનાવે છે, તે પ્રેરણાદાયક છે. મને ઘણી વાર તો એવું લાગ્યું કે સીતામાતાનું પાત્ર ભજવેલા દીપિકા ચિખલિયા માત્ર ચૈનાને જ નહીં, મને પણ માર્ગદર્શન આપી રહ્યાં છે. આ અનુભવ મારા માટે અત્યંત ખાસ અને દૈવીય છે.” ‘ગુરુ મા’ તરીકે દીપિકા ચિખલિયાની એન્ટ્રી શોમાં અનેક ભાવનાત્મક ક્ષણો અને ટ્વિસ્ટ લાવશે. ચૈના અને ગુરુ મા વચ્ચે એક મજબૂત સંબંધનું પણ નિર્માણ થશે, જે સમગ્ર વાર્તાને એક નવી ઊંચાઈએ પહોંચાડશે. ‘બડી હવેલી કી છોટી ઠકુરાયણ’ માં ‘ગુરુ મા’ના આગમન સાથે શો વધુ મનોરંજક અને રોમાંચક બનશે. ‘બડી હવેલી કી છોટી ઠકુરાયણ’ શો દર સોમવારથી શનિવાર, રાત્રે 9 વાગ્યે, શેમારૂ ઉમંગ પર પ્રસારિત થાય છે.