તમિલનાડુ: 52 મંદિરોમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ, VIP અને સેલેબ્સ માટે પણ સમાન નિયમ

02 September, 2026 04:11 PM IST  |  Chennai | Gujarati Mid-day Online Correspondent

નવા નિયમ હેઠળ, ભક્તોએ મંદિરમાં પ્રવેશતા પહેલા તેમના સ્માર્ટફોન કાઉન્ટર પર જમા કરાવવા પડશે. આ સેવા માટે પ્રતિ ફોન 5 રૂપિયાની ફી લેવામાં આવશે. ભક્તોને તેમના મોબાઇલ ફોન જમા કરાવવા પર ટોકન મળશે અને દર્શન કર્યા પછી ટોકન પરત આપી ફરીથી મોબાઈલ મેળવી શકશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

તમિલનાડુ સરકારે રાજ્યભરના લગભગ 52 મુખ્ય હિન્દુ મંદિરોમાં સ્માર્ટફોન લઈ જવા અને ઉપયોગ કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમ મંગળવારથી અમલમાં આવ્યો છે. મંદિરોમાં ફોટોગ્રાફી કરવી, રીલ બનાવવા અને વીડિયો રેકોર્ડ કરવા પર પણ પ્રતિબંધ હશે. મંદિર મૅનેજમેન્ટના જણાવ્યા અનુસાર, આ નિર્ણયનો હેતુ મંદિર પરિસરની પવિત્રતા અને શાંત વાતાવરણ જાળવવાનો છે.

સ્માર્ટફોન બહાર જમા કરાવવો પડશે

નવા નિયમ હેઠળ, ભક્તોએ મંદિરમાં પ્રવેશતા પહેલા તેમના સ્માર્ટફોન કાઉન્ટર પર જમા કરાવવા પડશે. આ સેવા માટે પ્રતિ ફોન 5 રૂપિયાની ફી લેવામાં આવશે. ભક્તોને તેમના મોબાઇલ ફોન જમા કરાવવા પર ટોકન મળશે અને દર્શન કર્યા પછી ટોકન પરત આપી ફરીથી મોબાઈલ મેળવી શકશે. જમા કરાયેલા ફોન કરમાં રાખવામાં કરવામાં આવશે. પાછો મેળવતા, ટોકન નંબર ફોન મોડેલ સાથે મૅચ કરવામાં આવશે. કાઉન્ટર અને લૉકર વિસ્તારોનું નિરીક્ષણ કરવા માટે CCTV સર્વેલન્સ પણ લગાવવામાં આવશે. કાંચીપુરમના પ્રખ્યાત દેવરાજસ્વામી-અતિ વરદર મંદિરમાં મંગળવારે સવારે 6:00 વાગ્યાથી આ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. મોબાઇલ ડિપોઝિટ સંભાળવા માટે બે કૉમ્પ્યુટર ઑપરેટર અને બે સ્ટાફ સભ્યોને ત્યાં તહેનાત કરવામાં આવ્યા છે.

કૅમેરા વગરના ફોનને પરવાનગી 

મંદિરની અંદર કૅમેરા વગરના મોબાઇલ ફોનને મંજૂરી આપવામાં આવશે. જોકે, આવા ફોન સાયલન્ટ અથવા વાઇબ્રેશન મોડ પર રાખવા પડશે. મંદિર પરિસરમાં ફોન પર મોટેથી વાત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હિન્દુ ધાર્મિક અને ચૅરિટેબલ એન્ડોમેન્ટ્સ (HR&CE) વિભાગે દેવતાઓના ફોટોગ્રાફ લેવા, વીડિયો રેકોર્ડ કરવા અને ધાર્મિક વિધિઓનું રેકોર્ડીંગ કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ જ નિયમ VIP, મહાનુભાવો અને સેલિબ્રિટીઓના ફોટા કે વીડિયો લેવા પર લાગુ રહેશે.

મદ્રાસ હાઈ કોર્ટના આદેશ પર નિર્ણય આપ્યો

HR&CE મંત્રી રમેશે જણાવ્યું હતું કે મંદિરોની પવિત્રતા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરોની અંદર, ખાસ કરીને યુવાનો દ્વારા ફોટા, રીલ્સ અને વીડિયો લેવા અંગે વારંવાર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ નિર્ણય 2 ડિસેમ્બર, 2022 ના રોજ મદ્રાસ હાઈ કોર્ટની મદુરાઈ બૅન્ચ દ્વારા આપવામાં આવેલા આદેશના આધારે જાહેર કરવામાં આવ્યો છે. તિરુચેન્દુરના અરુલમિગુ સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માગ કરતી જાહેર હિતની અરજી (PIL) ની સુનાવણી બાદ હાઈ કોર્ટે આ આદેશ જાહેર કર્યો હતો. મંદિરના અધિકારીઓને પ્રવેશદ્વાર પર અને પરિસરની બહાર મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ વિશે મુલાકાતીઓને માહિતી આપતા બોર્ડ લગાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમને લાઉડસ્પીકર દ્વારા ભક્તોને નિયમની જાહેરાત કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

tamil nadu hinduism national news chennai gujarati mid day