07 June, 2022 09:07 PM IST | Mumbai | Karan Negandhi
તસવીર સૌજન્ય: કીર્તિકા ભટ્ટ
‘સ્કેમ ૧૯૯૨’ ફેમ પ્રતીક ગાંધી ટૂંક સમયમાં ફરી ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. પ્રતીકની આ ફિલ્મનું નામ ‘સારથી’ છે જે જુલાઈના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં રિલીઝ માટે તૈયાર છે. પ્રતીક આ ફિલ્મમાં લેખકનું પાત્ર ભજવી રહ્યો છે.
આ ફિલ્મની વાર્તા મહિલા કેન્દ્રિત છે અને તે એક અનાથ બાળક અને વૃદ્ધ મહિલાની આસપાસ ફરે છે જેમના જીવન આકસ્મિક રીતે વાર્તામાં એકબીજા સાથે જોડાય છે. ફિલ્મમાં પ્રતીક ગાંધી સાથ મીનળ પટેલ, ચંદ્રશેખર શુક્લા, છાયા વોરા, ચંદ્રશેખર શુક્લા, સૌમ્ય પંડ્યા, આકાશ સિપ્પી અને મેઘા પંડ્યા પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મના મ્યુઝિક વિશે વાત કરીએ તો ફિલ્મમાં મ્યુઝિક ડિરેક્શન મનીષ ભાનુશાલીએ કર્યું છે. સારથીમાં ત્રણ ગીતો છે જે વાર્તામાં ઉપજતી પરિસ્થિતિઓ પર આધારિત ઇમોશનલ સોંગ્સ છે. આ ગીતો પાર્થ ગોહિલે લખ્યા અને તેને અવાજ પણ તેમણે જ આપ્યો છે. ફિલ્મ ‘સારથી’ રફીક શેખે લખી અને ડિરેક્ટ કરી છે. તો કીર્તિકા ભટ્ટે ફિલ્મનું નિર્માણ કર્યું છે.
પ્રતીક ગાંધીએ ફિલ્મ વિશે વાત કરતાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “અમે ૨૦૧૯માં વડોદરામાં આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. આ એક ખૂબ જ પેશનેટ પ્રોજેક્ટ છે અને મને જુદા-જુદા પ્રયોગ કરવા ગમે છે. તેથી હું આ ફિલ્મ સાથે જોડાયો હતો. મને આશા છે કે દર્શકોને પણ આમાં એટલી જ મજા આવે.”
જ્યારે અમે પૂછ્યું કે તમારા જીવનનું ‘સારથી’ કોણ? તો પ્રતીકે જણાવ્યું કે “આપણા દરેકના જીવનમાં એવું બનતું હોય છે કે જુદા-જુદા સમયે જુદી-જુદી વ્યક્તિઓ સારથી બનતી હોય છે. મારી સાથે પણ આવું અનેક વાર બન્યું છે, પરંતુ હું મારા માતા-પિતાને મારા સૌથી મોટા સારથી માનું છું. તેમણે મને ઘણું શીખવ્યું છે અને હંમેશા મારો સાથ આપ્યો છે જેને કારણે આજે હું અહીં સુધી પહોંચી શક્યો છું.”
સારથીના લેખક અને ડિરેક્ટર રફીક શેખે ફિલ્મ વિશે વાત કરતાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું કે “હાલ આ ફિલ્મ રિલીઝ સ્ટેજમાં છે અને આગામી મહિને અમે તેની રિલીઝ માટે તૈયાર છીએ. ફિલ્મનું ટ્રેલર અમે જૂનના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં રિલીઝ કરીશું અને જુલાઈમાં દર્શકો સમક્ષ ફિલ્મ લઈને આવીશું” ફિલ્મની વાર્તા વિશે વાત કરતાં તેમણે ઉમેર્યું કે “મારા મમ્મીનું ૨૦૦૪માં અવસાન થયું ત્યાર બાદ આ એક ઇમોશન છે જેને હું સૌથી વધુ સમજી શક્યો છું. માનો પ્રેમ નિસ્વાર્થ હોય છે અને તેની જ એક ઝલક આ ફિલ્મમાં પણ લોકોને જોવા મળશે.”
ફિલ્મના પ્રોડ્યુસર કીર્તિકા ભટ્ટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “આ સુંદર સોશિયલ મેસેજ આપતી ફિલ્મ છે. હું માનું છું કે ‘ઍજ ઈઝ જસ્ટ અ નંબર’ તમે ધારો તે કામ તમે કરી શકો છો. તમે જો દૃઢનિશ્ચય સાથે આગળ વધો તો તમે જ્યાં પહોંચવા માગો છો ત્યાં પહોંચી જ શકો છે. ફિલ્મમાં પણ આ વાતને ખૂબ જ અનોખી અને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે.”
આ પણ વાંચો: Sarathi: પ્રતીક ગાંધી જોવા મળશે આ ગુજરાતી ફિલ્મમાં, તસવીરોમાં જુઓ ફર્સ્ટ લૂક