મોસ્કોના ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી પામેલી એક માત્ર ભારતીય ફિલ્મ “મૃગતૃષ્ણા”

11 May, 2021 06:21 PM IST  |  Mumbai | Chirantana Bhatt

અમદાવાદ સ્થિત ફિલ્મ મેકર અને માઇકાના ફેકલ્ટી દર્શન અશ્વિન ત્રિવેદીની ગુજરાતી ફિલ્મ મૃગતૃષ્ણા મોસ્કો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં દેખાડાનારી એક માત્ર ભારતીય ફિલ્મ છે

ફેસ્ટિવલ સર્કિટમાં પ્રસંશા મેળવી રહેલી આ ફિલ્મ યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલ 2021માં પણ પસંદગી પામી છે.

અમદાવાદ સ્થિત ફિલ્મ મેકર અને માઇકાના ફેકલ્ટી દર્શન અશ્વિન ત્રિવેદીની ગુજરાતી ફિલ્મ મૃગતૃષ્ણા મોસ્કો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં દેખાડાનારી એક માત્ર ભારતીય ફિલ્મ છે. આ ઉપરાંત તે 33મા ફિલ્મ ફેસ્ટિવલ ફોર ચિલ્ડ્રન એન્ડ યુથ, ઇરાનમાં દર્શાવાઇ જ્યાં દર્શન ત્રિવેદીને બેસ્ટ સ્ક્રીન પ્લે માટે એવોર્ડ પણ એનાયત થયો. ફેસ્ટિવલ સર્કિટમાં પ્રસંશા મેળવી રહેલી આ ફિલ્મ યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલ 2021માં પણ પસંદગી પામી છે.

યુકે અને મોસ્કોમાં યોજાનારા ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પ્રિમીયર થનારી આ ફિલ્મ વિશે જ્યારે દર્શન ત્રિવેદી સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું, “આ વાર્તા તો 2003થી પારી અંદર જીવતી હતી અને ફિલ્મ 2018માં ફ્લોર પર ગઇ. મૃગતૃષ્ણામાં એવા ચાર બાળકોની વાત છે જે નદી કાંઠે વસેલા એક ગામમાં રહે છે. નદીને પેલે પાર જવું વર્જ્ય છે અને આ ચારેય જણ માને છે કે નદીની પેલે પાર કંઇક અજાયબ જાદુઇ દુનિયા છે. છોટા ઉદેપુર ડાયલેક્ટમાં ફિલ્મના સંવાદો છે. પોતાની જિંદગીની નાનકડી પણ ગુંચવે તેવી આંટીઘુંટીમાં જીવનારા બાળકો માટે નદીની પેલે પારની દુનિયાનું આકર્ષણ આ ફિલ્મનું કેન્દ્ર છે.”

આ ફિલ્મનુ સંગીત નિશીથ મહેતાએ આપ્યું છે પણ બંગાળના લોક ગાયક સૌરવ મોની જે માત્રને માત્ર નદીના ગીતો જ ગાય છે તેમણે આ ફિલ્મનાં સત્વ સમું ગીત ગાયું છે. દર્શન ત્રિવેદીએ કહ્યું કે, “આખી ફિલ્મનું મેકિંગ, પોસ્ટ પ્રોડક્શન બધું જ અમદાવાદમાં થયું છે. તેના વીએફએક્સ તેની ખાસિયત છે પણ તેનો અનુભવ શબ્દોમાં નહીં સ્ક્રીન પર જ મેળવવો રહ્યો. ફિલ્મને ફેસ્ટિવલ્સમાં બહુ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભારતમાં બાળકો પર બનતી ફિલ્મોને જેટલી ગંભીરતાથી ગણતરીમાં લેવી જોઇએ તેટલી ગંભીરતા તેની આસપાસ વર્તાતી નથી પણ વિદેશમાં ચિલ્ડ્રન્સ ફિલ્મનું ઘણું મહત્વ છે.” અંગ્રેજીમાં ‘ધી અધર સાઇડ ઑફ ધી રિવર’ના ટાઇટલથી ઓળખાતી આ ફિલ્મ મૂળ તો એક ટ્રિયોલૉજીની પહેલી વાર્તા છે અને તેના બીજા બે ભાગ વિશે પૃચ્છા પણ થવા માંડી છે તેમ દર્શન ત્રિવેદીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમને જણાવ્યું. તેના જ ભાગરૂપે બીજી ફિલ્મ યાયાવરનો ડ્રાફ્ટ તૈયાર કર્યા બાદ દર્શન ત્રિવેદી તેની ઉપર લેખક રામ મોરી સાથે કામ કરી રહ્યા છે.

ફિલ્મના પ્રોડ્યુસર મૃણાલ કાપડિયા, દેવદત્ત કાપડિયા છે તો કો પ્રોડ્યુસર્સ બુર્ઝિન ઉનવાલા, જેમણે ફિલ્મનું વિએફએક્સ અને એડિટિંગ પણ કર્યું છે, સાથે નિશીથ મહેતા અને દર્શન ત્રિવેદી છે. મુખ્ય એક્ટરમાં આર્યા સાગર, નિશ્મા સોની, ખુશ તાહિલરામાણી, કરણ પટેલ અને જયેશ મોરે છે.

ફિલ્મમાં વાર્તાઓ અને કલ્પનાઓ પોતાના આગવા સંઘર્ષ લડતા બાળકો માટે જીવવાનું જોમ કઇ રીતે બની શકે છે તે વિચારના તંતુને પરોવીને ચાર પાત્રોની વાત કરવામાં આવી છે.

entertainment news