ફક્ત પુરુષો માટે: પાવર અલગ છે, મજા ડબલ છે! યશ સોની સ્ટારર ગુજરાતી ફિલ્મ થઈ જાહેર

29 April, 2024 12:18 PM IST  |  Mumbai | Karan Negandhi

મહિલાને કેન્દ્રમાં રાખીને બનાવેલી ફિલ્મ બાદ હવે પુરુષોને કેન્દ્રમાં રાખીને મેકર્સે ફિલ્મ બનાવી છે. ફિલ્મનું નામ ‘ફક્ત પુરુષો માટે’ (Fakt Purusho Maate) છે

તસવીર: ઇન્સ્ટાગ્રામ

વર્ષ ૨૦૨૨માં આવેલી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ના મેકર્સ ફરી એકવાર સિનેમાઘરોમાં ધમાચકડી મચાવવા માટે આવી રહ્યા છે. મેકર્સ તરફથી નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. મહિલાને કેન્દ્રમાં રાખીને બનાવેલી ફિલ્મ બાદ હવે પુરુષોને કેન્દ્રમાં રાખીને મેકર્સે ફિલ્મ બનાવી છે. ફિલ્મનું નામ ‘ફક્ત પુરુષો માટે’ (Fakt Purusho Maate) છે.

એક્ટર યશ સોની (Yash Soni)એ ફિલ્મની જાહેરાત કરતો એક વીડિયો તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કર્યો છે. વીડિયોની શરૂઆત તો ‘ફક્ત મહિલાઓ માટે’ના પોસ્ટરથી જ થાય છે. જોકે, બેકગ્રાઉન્ડમાં એક સૂચના સાંભળવા મળે છે, જેમાં કહેવાય છે કે, “એક જાહેર સૂચના, આ ફિલ્મને ‘ફક્ત મહિલાઓ માટે’થી કોઈ લેવાદેવા નથી. આના પાત્રો અલગ છે - વાર્તા અલગ છે. કવિ એ જ છે, પણ કવિતા અલગ છે. આ જ્ઞાન ઠોક્યા પછી પ્રસ્તુત કરીએ છીએ….” વીડિયોમાં ત્યાર બાદ એક્ટર્સ, પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સના નામ જાહેર (Fakt Purusho Maate) કરવામાં આવ્યા છે.

ફિલ્મમાં દર્શન જરીવાલા, મેગાસ્ટાર યશ સોની, મિત્ર ગઢવી, ઈશા કંસારા સ્ક્રીન શેર કરતાં જોવા મળશે. ફિલ્મ આનંદ પંડિત અને વૈશલ શાહે પ્રોડ્યુસ કરી છે. તો ફિલ્મનું ડિરેક્શન જય બોડાસ અને પાર્થ ત્રિવેદીએ કર્યું છે. યસ સોનીએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, “પાવર અલગ છે, મજા ડબલ છે! ફક્ત પુરુષો માટે - જન્માષ્ટમી ૨૦૨૪.” ‘ફક્ત મહિલાઓ માટે’માં ચિંતન મહિલાઓના મનની વાત સાંભળી શકતો હતો. જોકે, આ ફિલ્મમાં ચિંતન પાસે કયો પાવર હશે અને તેનાથી તેના જીવનમાં શું ધમાલ થશે તે જોવા જેવુ હશે.

ફિલ્મ વિશે વધુ જાણવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે યશ સોનીનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે શૂટિંગમાં વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૨માં ‘ફક્ત મહિલાઓ માટે’ વર્ષની સફળ ગુજરાતી ફિલ્મોમાંની એક રહી હતી. તે ફિલ્મમાં યશ સોની, તર્જની ભાડલા, દીક્ષા જોશી, ચેતન દૈયા, પ્રશાંત બારોટ, દીપ વૈદ્ય, કલ્પના ગાડગેકર સ્ક્રીન શેર કરતાં જોવા મળ્યાં હતાં. મનોરંજનનું કમ્પ્લિટ પેકેજ હતી, સાથે જ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ કેમિયો કરતાં જોવા મળ્યા હતા, જેને પગલે ફિલ્મ દર્શકોને થિયેટર તરફ આકર્ષવામાં સફળ રહી હતી.

ફિલ્મ આ વર્ષે જન્માષ્ટમી (Fakt Purusho Maate)માં રિલીઝ થશે. શું આ ફિલ્મ પુરુષોના મનની વાત કહેવામાં સફળ થશે કે કેમ એ તો જોવું રહ્યું.

ફિલ્મની જાહેરાતથી ફેન્સ ખૂબ જ ખુશ છે. એક ફેને કૉમેન્ટ્સમાં લખ્યું કે, “Thank you! ચલો કોઈ એ તો આપણા જેવા પુરુષો માટે વિચાર્યું, મજા આવશે. આ ફિલ્મમાં ચિંતનનો પાવર શું હશે?" અન્ય એક ફેને લખ્યું કે, “ગુજરાતી સિનેમા અલગ સ્તર પર ખૂબ અભિનંદન”

yash soni Mitra Gadhvi Esha Kansara gujarati film upcoming movie dhollywood news entertainment news karan negandhi