20 August, 2024 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીના ગુપ્તા
નીના ગુપ્તાને તાજેતરમાં જ ફિલ્મ ‘ઊંચાઈ’ માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ જાહેર થયો છે. તેમનું કહેવું છે કે તેમણે કરીઅરની શરૂઆતમાં નાના રોલ કર્યા એથી તેમના પર સપોર્ટિંગ ઍક્ટરનું લેબલ લાગી ગયું હતું. ૩૦ વર્ષ પહેલાં તેમને ડૉક્યુમેન્ટરીઝ માટે બે નૅશનલ અવૉર્ડ મળ્યા હતા. હવે ફરીથી નૅશનલ અવૉર્ડની જાહેરાત થતાં તેમની ખુશીની કોઈ સીમા નથી રહી. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું નાના રોલ કરવાને તેઓ ભૂલ ગણે છે? એનો જવાબ આપતાં નીના ગુપ્તા કહે છે, ‘હા, મને એવું લાગે છે કે શરૂઆતમાં મેં નાના રોલ કરીને સમાધાન કર્યું એ મારી ભૂલ હતી, કારણ કે હું કામ કરવા માટે ખૂબ આતુર હતી. આ જ કારણ છે કે મારા પર સપોર્ટિંગ ઍક્ટરનું લેબલ લાગી ગયું હતું. એક એવી ઍક્ટર, જે નાના રોલ કરે. જોકે ફિલ્મ ‘બધાઈ હો’ને કારણે પરિવર્તન આવ્યું. એના માટે મને ખૂબ લાંબો સમય રાહ જોવી પડી હતી. જોકે ટેલિવિઝન પર સિરિયલ ‘સાંસ’માં કામ કરવાનો તબક્કો ઘણો સારો હતો. મેં પ્રોડ્યુસ, ડિરેક્ટ અને ઍક્ટ કર્યું હતું. મને એના માટે ઘણા પૈસા પણ મળ્યા હતા. જોકે ફિલ્મોની સરખામણીએ ટેલિવિઝન નાનું માધ્યમ છે. હવે તો એમાંય બદલાવ આવ્યો છે. હવે તો મોટા ફિલ્મમેકર્સ ડિજિટલ પ્લૅટફૉર્મ્સ તરફ વળ્યા છે. ઍક્ટર્સ પણ એમાં કામ કરે છે. મેં જ્યારે ઍક્ટિંગમાં પ્રવેશ કર્યો ત્યારે માત્ર ફિલ્મો જ હતી. એ કપરો તબક્કો હતો. આજના ઍક્ટર્સ નસીબદાર છે કે તેમને પોતાની પ્રતિભા નિખારવા માટે ઘણાં પ્લૅટફૉર્મ્સ મળ્યાં છે. ડિજિટલ પ્લૅટફૉર્મ્સને કારણે ફિલ્મમેકિંગમાં પણ બદલાવ આવ્યો છે. રાઇટર્સ અને ડિરેક્ટર્સ નવા વિષયો સાથે એક્સપરિમેન્ટ કરે છે. તમારો પ્રોજેક્ટ હિટ થાય એ માટે હવે તમને કોઈ સ્ટારની જરૂર નથી પડતી. એનું ઉત્તમ ઉદાહરણ છે વેબ-સિરીઝ ‘પંચાયત’. કન્ટેન્ટ સારી હોય તો લોકોને ગમે છે. આપણે એ વિચારવાનું બંધ કરવું જોઈએ કે લોકો નહીં સમજે. આજે લોકો બધું સમજે છે. કોઈ પણ પ્રોજેક્ટ માટે એનું રાઇટિંગ ખૂબ અગત્યનું છે. મને લાગે છે કે ‘પંચાયત’એ રાઇટિંગનાં તમામ લેવલ પાર કરી લીધાં છે. આ જ કારણ છે કે એ મોટી હિટ બની છે.’