27 July, 2023 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિવેક અગ્નિહોત્રી
ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ ‘આદિપુરુષ’ પર કટાક્ષ કરતાં જણાવ્યું કે લોકો કાંઈ મૂર્ખ નથી. ઓમ રાઉતે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં પ્રભાસ, ક્રિતી સૅનન, સૈફ અલી ખાન અને સની સિંહ લીડ રોલમાં હતાં. આ ફિલ્મના ડાયલૉગ્સને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કેટલાંક હિન્દુ સંગઠનોએ પણ ફિલ્મને બૅન કરવાની અપીલ કરી હતી. ‘આદિપુરુષ’ને લઈને વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે ‘તમે જ્યારે આસ્થા પર ફિલ્મ બનાવો છો ત્યારે તમને એના માટે સો ટકા દૃઢ વિશ્વાસ હોવો જોઈએ કાં તો તમને આવા વિષય પર પૂરતી માહિતી હોવી જોઈએ. જોકે બદનસીબી એ છે કે આપણા ભારતમાં આવું કોઈ નથી. આમ છતાં જો કોઈ આવા વિષય પર ફિલ્મ બનાવે તો એનું પરિણામ તો ‘આદિપુરુષ’ જેવું જ આવશે. મહાભારત, ભગવદ્ગીતા અને રામાયણ લોકોનાં દિલોમાં ઘણાં વર્ષોથી સ્થાન ધરાવે છે. જો પાંચ હજાર વર્ષોથી કોઈ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે તો એની પાછળ કાંઈક તો કારણ હશે.’ સાથે જ પ્રભાસની નિંદા કરતાં વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે ‘જો કોઈ સ્ક્રીન પર આવે અને કહે કે હું ભગવાન છું તો એનાથી તમે ભગવાન નથી બની જતા. જો તમે દરરોજ રાતે દારૂ પીને ઘરે જાઓ અને સવારે જાગીને એમ કહો કે હું ભગવાન છું તો કોઈ તમારા પર ભરોસો નહીં કરે. લોકો મૂર્ખ નથી.’