શાહરુખ જ્યારે મળે છે ત્યારે મને તેની સાથે ફિલ્મ બનાવવા કહે છે : વિશાલ ભારદ્વાજ

19 December, 2023 12:36 PM IST  |  Mumbai | Mayank Shekhar

ગૅન્ગસ્ટરમાં ફેવરિટ એવા તેને કોમી રમખાણ અને મૉબ લિન્ચિંગથી ખૂબ જ નફરત છે, કારણ કે એને સિસ્ટમનો સપોર્ટ મળે છે

ઐશ્વર્યા દેવધર, આશિષ રાજે

ગુલઝાર–વિશાલ ભારદ્વાજનો મ્યુઝિક કૉમ્બો મ્યુઝિકલ ચાર્ટમાં ટૉપ પર હોય છે. જોકે વિશાલ પોતાના પહેલા મેન્ટરની ક્રેડિટ કવિ ડૉક્ટર બશીર બદ્રને આપે છે. તેમને વિશાલ ભારદ્વાજ સેન્ચુરીના સૌથી શ્રેષ્ઠ કવિ કહે છે અને તેમના હોમટાઉન મેરઠ માટે તેઓ ખૂબ જ મૂલ્યવાન હતા. ૧૯૮૪ના હુલ્લડમાં તેમણે તેમના હોમટાઉન જવું પડ્યું હતું. બશીર સાહેબે એવી અફવા સાંભળી હતી કે શાસ્ત્રીનગરમાં આવેલા તેમના ઘર પર હુમલો થવાનો છે. જોકે ત્યાર બાદ તેમનું ઘર સળગાવી દેવામાં આવ્યું હતું.

તેઓ ઉતાવળમાં ભોપાલ જતા રહ્યા હતા અને એ દરમ્યાન તેમની કવિતા લખેલી ડાયરી છૂટી ગઈ હતી. બશીર સાહેબ જ્યારે મેરઠ આવ્યા ત્યારે તેમણે બે જણને બોલાવ્યા હતા, મિસ્ટર ભંડારી જેમની ઉંમર ૭૦ વર્ષ અને વિશાલ જેની ઉંમર ૧૯ વર્ષની હતી. બશીર સાહેબે બન્નેને પૂછ્યું કે તેમને કોઈને કવિતાઓ યાદ છે કે નહીં. એ સમયે તેઓ ડિપ્રેશનમાં હતા. ભંડારી અને વિશાલ બન્નેએ તેમને તેમની કવિતાઓ કહી હતી. આ વિશે વિશાલે કહ્યું કે ‘એને કારણે તેઓ ધીમે-ધીમે ડિપ્રેશનમાંથી બહાર આવ્યા હતા.’

વિશાલ નાનો હતો ત્યારની એક સ્ટોરી મને જાણવા મળી હતી કે તે જ્યારે મેરઠમાં હતો ત્યારે કેવી રીતે ક્રૉસફાયરમાં ફસાયો હતો અને તેણે તેની નજર સમક્ષ ગૅન્ગસ્ટરને મરેલો જોયો હતો. આ વિશે વિશાલ ભારદ્વાજે કહ્યું કે ‘આ બન્ને એકદમ અલગ-અલગ ઘટના છે. મેરઠમાં એક ત્યાગી હૉસ્ટેલ હતી જ્યાં દરેક ગૅન્ગસ્ટર રહેતા હતા. મારી સ્કૂલ અને હૉસ્ટેલ વચ્ચે એક દીવાલ હતી અને એમાં મોટું કાણું હતું. એમાંથી હું આવતો-જતો હતો, કારણ કે એ શૉર્ટકટ હતો. ત્યાં જ વૉર્ડનનું ઘર હતું જેમાં ચીફ ગૅન્ગસ્ટર રહેતો હતો અને વૉર્ડન અમારી સાથે હૉસ્ટેલમાં રહેતો હતો. હું જ્યારે ત્યાંથી આવતો-જતો ત્યારે બહાર ગન, બંદૂકની ગોળી અને ગ્રેનેડને તડકામાં સૂકવવા મૂકેલાં જોતો હતો. આ ગૅન્ગસ્ટર મારી અને અન્ય બાળકો સાથે ખૂબ જ સારો હતો. તે અમને બંદૂક પકડવા આપતો અને ટ્રિગર દબાવીને અમને ડરાવતો પણ હતો. સ્કૂલની એક્ઝામ ચાલી રહી હતી અને અમે ગનશૉટ સાંભળ્યો હતો. અમે ત્યાર બાદ ગૅન્ગસ્ટર રહેતો એ તરફ દોડ્યા હતા. મેં તેને ત્યાં મરેલો જોયો. ગૅન્ગ વૉરમાં તેને પોલીસે માર્યો હતો. મેં પહેલી વાર ડેડ-બૉડી જોયું હતું. હું સાતમા ધોરણમાં હતો એટલે કે મારી ઉંમર બાર વર્ષની આસપાસ હશે.’

બીજી ઘટના હિન્દુ-મુસ્લિમ વચ્ચેના હુલ્લડમાં થઈ હતી, જે વિશાલ મુજબ મેરઠમાં સામાન્ય હતું. જોકે તેના કહેવા પ્રમાણે આજના સમયે જેટલી દુશ્મનાવટ જોવા મળે છે એટલી ત્યારે પણ નહોતી. વિશાલનું ઘર એક મુસ્લિમ ફૅમિલીની બાજુમાં હતું. આ વિશે વાત કરતાં વિશાલે કહ્યું કે ‘તેમનો બંગલો ખૂબ જ મોટો હતો. પિતા જેન્ટલમૅન હતા અને તેમને ત્રણ દીકરીઓ હતી. મારો લૅન્ડલૉર્ડ પોલીસ-ઇન્સપેક્ટર હતો જેને દસ બાળકો હતાં. આ બાળકોએ નક્કી કર્યું કે તેઓ મુસ્લિમ કમા લેતે હૈં, મતલબ કે તેમને મારીને સ્કોર કરી લઈએ. હિન્દુ-મુસ્લિમ થતું ત્યારે આ રીતે કોણે કેટલા માર્યા એ સ્કોર કરવામાં આવતો. તેઓ પાડોશીની એક દીકરીને મારવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા એની મને જાણ થઈ ગઈ હતી. પોલીસ-સ્ટેશનમાંથી તેમને કહેવામાં આવ્યું હતું કે તેમની પાસે એક કલાક છે, જે કરવું હોય એ કરી લો. ત્યાર બાદ પોલીસ પરિસ્થિતિને ચાર્જમાં લેશે. આ રીતે ત્યારે કામ થતું હતું. મને બાળકોના પ્લાનની ખબર હતી અને તેઓ દેશી કટ્ટા લઈને આવ્યા હતા. તેઓ ઘરમાં ઘૂસીને ગૅસ સિલિન્ડરને બ્લાસ્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. પાડોશી પાસે ડબલ બૅરલ ગન હતી અને તેણે હવામાં એને ફાયર કરી હતી. તે બે વચ્ચેના ક્રૉસફાયરમાં હું ફસાઈ ગયો હતો. જોકે હું જલદી બીજાના ઘરમાં ઘૂસી ગયો હતો. મારી ફૅમિલી ચિંતામાં હતી, કારણ કે હું મિસિંગ હતો.’

થોડો સમય ચૂપ રહીને વિશાલે કહ્યું કે ‘લોકોનું ટોળું આ રીતે કામ કરે છે. મેં એ જોયું છે. તમે એક વ્યક્તિને કહો કે તેણે બીજા વ્યક્તિને મારવાનો છે તો એ નહીં મારે. જોકે તમે ૫૦ માણસોના ટોળાને કહેશો કે તેમણે એક જણને મારવાનો છે તો તેઓ કંઈ પણ વિચાર્યા વગર અને ગિલ્ટ વગર એ કરશે. આથી જ મૉબ લિન્ચિંગની ઘટના મને ખૂબ જ દુઃખ પહોંચાડે છે. આ સપોર્ટ સિસ્ટમમાંથી આવે છે.’

અલી અબ્બાસ ઝફરની સિરીઝ ‘તાંડવ’નો વિરોધ થતાં ઍમેઝૉન પ્રાઇમ વિડિયોએ વિશાલ ભારદ્વાજની ફ્લાઇટ IC 814 હાઇજૅક પરથી બનાવવામાં આવી રહેલી ફિલ્મને પડતી મૂકી હતી. આ વિશે વિશાલે કહ્યું કે ‘વેબ–સિરીઝ ‘તાંડવ’નો જે રીતે વિરોધ થયો હતો એને જોઈને ઍમેઝૉન પ્રાઇમ વિડિયો ચિંતામાં આવી ગયું હતું અને મારા પ્રોજેક્ટ પરથી હાથ ખેંચી લીધો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ કોઈ પણ પૉલિટિકલ મુદ્દાને ટચ કરવા નથી માગતા. એ ફિલ્મને પૉલિટિક્સ સાથે કોઈ લેવાદેવા નહોતી. આ એપિસોડમાં દેશે શરમજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. એ ફિલ્મને કોઈ પણ પાર્ટી સાથે કોઈ લેવાદેવા નહોતી. અનુભવ સિંહા હવે એના પર નેટફ્લિક્સ માટે સિરીઝ બનાવી રહ્યો છે.’

આમિર ‘ઓમકારા’ની દુનિયામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ લઈ રહ્યો હતો. ખાસ કરીને લંગડા ત્યાગી અને તેની બોલવાની સ્ટાઇલને લઈને. તે ‘રંગ દે બંસતી’ને લઈને વ્યસ્ત થઈ ગયો હતો.
વિશાલ ભારદ્વાજ

મેરઠની ત્યાગી હૉસ્ટેલની સાથે ત્યાંનો કચેરી રોડ પણ ગૅન્ગસ્ટરથી ભરેલો હતો. ત્યાં આનંદ શુક્લા, રામપાલ ત્યાગી જેવા ઘણા ગૅન્ગસ્ટર્સ રહેતા હતા. દરેક ગૅન્ગસ્ટર વિશાલને ખૂબ જ સારી રીતે રાખતા હતા, કારણ કે તે ખૂબ જ સારું ગીત ગાતો હતો અને ક્રિકેટ પણ સારું રમતો હતો. આ વાતને વિશાલે ૨૦૦૬માં આવેલી ‘ઓમકારા’માં દેખાડી હતી. વિશાલ એક ગૅન્ગસ્ટરને ઓળખતો હતો જેનું નામ લંગડા રથી હતું જેને તેણે ઑનસ્ક્રીન લંગડા ત્યાગી તરીકે દેખાડ્યો હતો. આ પાત્ર સૈફ અલી ખાને ભજવ્યું હતું. એક દાયકામાં એકદમ હટકે પાત્ર કોઈએ ભજવ્યું હોય તો એ સૈફ હતો. આ પસંદગી માટે વિશાલ આમિર ખાનનો આભાર માને છે. આ વિશે વાત કરતાં વિશાલ ભારદ્વાજે કહ્યું કે ‘હું અને આમિર ‘મિસ્ટર મેહતા ઔર મિસિસ સિંહ’ ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા હતા. અમે જ્યારે શૂટ કરવાની નજીક આવી ગયા ત્યારે આમિરે જણાવ્યું હતું કે હું જે રીતે ફિલ્મને જોઈ રહ્યો છું એને કારણે તે અનકમ્ફર્ટેબલ છે. અમે બન્ને ટસના મસ નહોતા થતા. આથી ફિલ્મને પડતી મૂકવાનું નક્કી કર્યું. જોકે આમિર સાથે સમય પસાર કરવાની ખૂબ જ મજા આવે છે. અમારી વાતચીત દરમ્યાન મેં તેને લંગડા ત્યાગી વિશે કહ્યું હતું જેને હું લખી રહ્યો હતો. આમિર ‘ઓમકારા’ની દુનિયામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ લઈ રહ્યો હતો. ખાસ કરીને લંગડા ત્યાગી અને તેની બોલવાની સ્ટાઇલને લઈને. તે ‘રંગ દે બંસતી’ને લઈને વ્યસ્ત થઈ ગયો હતો. મને શૂટિંગની ઉતાવળ હતી આથી આમિર કરતાં બીજાને લઈને ફિલ્મ સાથે આગળ વધવાનું નક્કી કર્યું. આમિર ખૂબ જ ઇન્ટેલિજન્ટ અને કમર્શિયલ છે. જો તેને આ ફિલ્મ પસંદ આવી હોય તો કોઈ પણ ઍક્ટરને આવી શકે છે.’

આમિર જ નહીં, શાહરુખ ખાન સાથે પણ ફિલ્મ બનાવતા રહી ગયો હતો વિશાલ ભારદ્વાજ. તેઓ ચેતન ભગતની ‘2 સ્ટેટ્સ’ને લઈને કામ કરવાના હતા જેને અભિષેક વર્મને અર્જુન કપૂર અને આલિયા ભટ્ટ સાથે બનાવી હતી. આ વિશે વાત કરતાં વિશાલે કહ્યું કે ‘ફિલ્મના સેટિંગને લઈને અમારી વચ્ચે મતભેદ હતો.  મારે આઇસીઆઇસીઆઇ જેવી બૅન્કનો બૅકડ્રૉપ લઈને ફિલ્મ બનાવવી હતી અને શાહરુખ એને કૉલેજ અથવા તો અન્ય જગ્યાએ બનાવવા માગતો હતો. એ ન બનાવી શકવાનું અમને પણ દુઃખ છે. મેં હાલમાં જ તેને ‘જવાન’ માટે શુભેચ્છા પાઠવી હતી. અમે જ્યારે પણ મળીએલ ત્યારે શાહરુખ એક વાત રિપીટ કરે છે કે આપણે સાથે ફિલ્મ કરવાની છે.’

 હું ફિલ્મનો પ્રોડ્યુસર હોવા છતાં આજ સુધી ‘મકબૂલ’ માટે મને એક રૂપિયો નથી મળ્યો. જોકે એનાથી શું ફરક પડે છે? એ ફિલ્મ દ્વારા નહીં, પરંતુ એના કારણે મને ઘણું મળ્યું છે.

વિશાલના પિતા રામ ભારદ્વાજ, જેમને દરેક જણ રામ સાહબ કહેતા હતા, તેઓ બૉલીવુડમાં ગીતકાર હતા. તેઓ જ્યારે મેરઠથી બૉમ્બે આવતા ત્યારે ફૅમિલી સાથે આવતા હતા. આ સમયે વિશાલ બૉલીવુડમાં ફિલ્મ અને મ્યુઝિક સાથે સંકળાયેલા લોકો સાથે સમય પસાર કરતો હતો. એક સાંજે વિશાલના પિતાએ તેમના ફ્રેન્ડ્સને જણાવ્યું કે તેમના લિરિક્સ પર અઢાર વર્ષના વિશાલે એક ટ્યુન બનાવી હતી. તેના પિતાના ફ્રેન્ડ્સ એ સાંભળીને ખૂબ જ ઇમ્પ્રેસ થયા હતા. તેમણે કમ્પોઝર ઉષા ખન્નાને ફોન કરીને એ સંભળાવી હતી. ઉષાને એ ખૂબ જ પસંદ આવી હતી અને એનો સમાવેશ ફાઇનલ કમ્પોઝિશનમાં કરવામાં આવ્યો હતો. આ વિશે વાત કરતાં વિશાલે કહ્યું કે ‘ઉષાજીએ મારી ટ્યુનને એક્સપાન્ડ કરીને એને એક ગીત બનાવ્યું હતું એ મારા માટે પહેલું વૅલિડેશન હતું. એ વૅલિડેશનને કારણે મારામાં કૉન્ફિડન્સ આવ્યો હતો’

૧૯૮૫માં આવેલી ‘યાર કસમ’ના ગીત ‘ખુદા દોસ્તી કો નઝર ના લગે’માં એ ટ્યુનનો ઉપયોગ કરવામાં આવ્યો હતા. વિશાલ ભારદ્વાજે ૧૯ વર્ષની ઉંમરે તેનું પહેલું કમ્પોઝિશન રેકૉર્ડ કર્યું હતું અને એ સમયે આશા ભોસલે માઇક્રોફોન પર હતાં. ૨૦૦૨માં આવેલી ‘મકડી’ દ્વારા વિશાલ ભારદ્વાજે ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યો હતો. ૧૯૯૬માં આવેલી ‘માચીસ’નું મ્યુઝિક કમ્પોઝ કરતી વખતની વાતને યાદ કરતાં વિશાલ ભારદ્વાજે કહ્યું કે ‘ગુલઝાર સાહબે મને કહ્યું હતું કે હું પાંચ વર્ષમાં ડિરેક્ટર બની જઈશ. તેમણે મને ખરેખર એ બનવા માટે ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું. ફિલ્મિંગ અને એડિટિંગ દરમ્યાન મેં તેમને ખૂબ જ સવાલ કર્યા હતા.’

ફિલ્મ અને ક્રિકેટ વચ્ચેની સમાનતા વિશે પૂછતાં વિશાલે કહ્યું કે ‘કૅપ્ટનશિપ. પરિસ્થિતિ અને સમય જ્યારે તમારો સાથ ન આપી રહ્યો હોય ત્યારે કૅપ્ટનશિપ મહત્ત્વની બને છે. હારનો સ્વીકાર કરવો અને હારમાંથી શીખવું પણ કૅપ્ટનશિપનો એક ભાગ છે. મારી ૨૦૧૭માં આવેલી ‘રંગૂન’ની રિલીઝ ડેટ નજીક આવી ગઈ હતી. અમારા છેલ્લા સીનની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અમને જોઈએ એવી નહોતી મળી. મારે એ સમયે રિલીઝને અટકાવવી જોઈતી હતી, જે રીતે સંજય લીલા ભણસાલી કરે છે. હું ૭૦ કરોડની ફિલ્મ ૩૫ કરોડમાં બનાવી રહ્યો હતો. હું અમારી પાસે જે મટીરિયલ હતું એને લઈને ઓવરકૉન્ફિડન્ટ થઈ ગયો હતો.’

IDBI બૅન્કે એ સમયે ફિલ્મને ફાઇનૅન્સ કરવાની સ્કીમ લૉન્ચ કરી હતી. એમાં વિશાલે અપ્લાય કર્યું હતું. પ્રોડ્યુસર મનમોહન શેટ્ટી સ્ક્રિપ્ટ કન્સલ્ટન્ટ કમિટી તરીકે એમાં કામ કરતા હતા. પ્રોડ્યુસર બૉબી બેદી પણ એ કમિટીમાં હતા. ૨૦૦૪માં આવેલી ‘મકબૂલ’ને ફન્ડ કરવા માટે તેમણે અપ્લાય કર્યું હતું. જોકે આ ફિલ્મને કોઈ પ્રોડ્યુસ કરવા નહોતું માગતું. આ ફિલ્મ માટે પહેલી પસંદ કમલ હાસન હતા. જોકે બજેટ વધી ગયું હતું. એક દિવસ ડ્રિન્ક કરતી વખતે મનમોહન શેટ્ટીએ વિશાલ ભારદ્વાજને કહ્યું હતું કે ‘તારી ફિલ્મમાં નસીર, ઓમ પુરી, પંકજ કપૂર જેવા ઍક્ટર હતા. તું આ ફિલ્મ દ્વારા શું ૨.૮૬ કરોડની લોન રિકવર કરી શક્યો હોત? આ ફિલ્મને રિજેક્ટ કરીને મેં તને ફેવર કરી છે.’

જોકે આ કમિટીના બીજા સભ્ય બૉબીએ ફિલ્મની સ્ક્રિપ્ટમાં ઇન્ટરેસ્ટ દેખાડ્યો હતો અને ત્યાંથી ‘મકબૂલ’ની શરૂઆત થઈ હતી. આ વિશે વિશાલે કહ્યું કે ‘મેં ભોપાલમાં હવેલી જોઈ હતી જ્યાં અમારે ડૉન અબ્બાજીની દુનિયા દેખાડવાની હતી. ૨૫ દિવસ બૉમ્બે અને ૨૫ દિવસ ભોપાલમાં અમારે શૂટ કરવાનું હતું.’
આ વિશે વધુ જણાવતાં વિશાલ ભારદ્વાજે કહ્યું કે ‘અમે જ્યારે ભોપાલનું શૂટિંગ કરવા જવાના હતા ત્યારે બૉબીએ કહ્યું કે હવે એ માટે બજેટ નથી. તેણે કહ્યું કે મુંબઈના પેડર રોડ પર ફિલ્મ્સ ડિવિઝન ઑફિસમાં એક મૅન્શન આવેલું છે. એને ફિલ્મ્સ ડિવિઝન હવેલી પણ કહેવામાં આવતું હતું. ત્યાં શૂટ કરવા માટે તે કહેતો હતો. મેં તેને ના પાડી દીધી હતી. તેણે ફિલ્મ બનાવવાની ના પાડી દીધી અને મેં પણ કહ્યું કે તો નહીં બનાવીએ ફિલ્મ.’

એક શુક્રવારની સાંજે વિશાલે ઘરે જઈને કેટલાંક ડ્રિન્ક પીધાં હતાં. તેણે આગામી બે દિવસ માટે ફોન બંધ કરી દીધો હતો. સોમવારે બૉબી તેના ઘરનો દરવાજો ખખડાવતો હતો અને કહ્યું કે કેમ ફોન બંધ કરી દીધો હતો? આ વિશે વિશાલ ભારદ્વાજે કહ્યું કે ‘મેં તેને કહ્યું કે મીટિંગ કરવાનો શું મતલબ છે? મારી ફી જેમાં મ્યુઝિક કમ્પોઝિશન, ડિરેક્શન અને સ્ક્રિપ્ટનો સમાવેશ થાય છે એ ૩૦ લાખ રૂપિયા છે. બૉબીએ સજેસ્ટ કર્યું કે ભોપાલ શૂટ માટે તે ૩૦ લાખ રૂપિયા આપે અને હું મારા ૩૦ લાખ રૂપિયા આપું. મેં તેને કહ્યું હતું કે તેણે આ મને પહેલાં કહ્યું હોત તો શુક્રવારની સાંજે ડ્રિન્ક જ ન કર્યું હોત. હું ફિલ્મનો પ્રોડ્યુસર હોવા છતાં આજ સુધી ‘મકબૂલ’ માટે મને એક રૂપિયો નથી મળ્યો. જોકે એનાથી શું ફરક પડે છે? એ ફિલ્મ દ્વારા નહીં, પરંતુ એના કારણે મને ઘણું મળ્યું છે.’

vishal bhardwaj Shah Rukh Khan bollywood news entertainment news