02 December, 2024 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિક્રાંત મેસીની ફાઇલ તસવીર
વિક્રાંત મેસી (Vikrant Massey) બોલિવૂડ (Bollywood)ના સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓમાંથી એક છે. તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી અનેક પ્રકારના રોલ કર્યા છે અને દર્શકોના દિલમાં અલગ જ જગ્યા બનાવી છે. તાજેતરમાં જ ‘ધ સાબરમતી રિપોર્ટ’ (The Sabarmati Report) ફિલ્મથી ચાહકોના દિલ જીતનાર અભિનેતા વિક્રાંત મેસીએ અચાનક મોડી રાત્રે એક્ટિંગ છોડવાનો નિર્ણય લીધો છે. અભિનેતાએ સોશ્યલ મીડિયા (Social Media) પોસ્ટ દ્વારા આની જાહેરાત કરી છે. આ સમાચાર સામે આવ્યા બાદ વિક્રાંત મેસીના ચાહકો નિરાશ થઈ ગયા છે અને તેમને મોટો આંચકો લાગ્યો છે.
અભિનેતા વિક્રાંત મેસીએ ઈન્ડસ્ટ્રી છોડવાની (Vikrant Massey Retirement) જાહેરાત કરી હતી. જ્યારે તેણે સોશિયલ મીડિયા પર એક્ટિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે તેના ચાહકોને આશ્ચર્ય થયું. વિક્રાંતે આ ચોંકાવનારો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે તે પોતાની કારકિર્દીમાં સફળતાના શિખરે છે. મોડી રાત્રે, વિક્રાંત મેસીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સનસનાટીભર્યા પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા છે. અભિનેતાએ તેની ઇન્સ્ટા પોસ્ટમાં અભિનયમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે લખ્યું છે કે, ‘નમસ્તે, છેલ્લાં કેટલાંક વર્ષો અને ત્યારનાં વર્ષો અદ્ભુત રહ્યાં છે. તમારા નિરંતર સમર્થન બદલ હું આપ સૌનો આભાર માનું છું. પરંતુ જેમ જેમ હું આગળ વધી રહ્યો છું, મને સમજાયું છે કે તે ફરીથી માપન કરવાનો અને ઘરે પાછા જવાનો સમય છે. પતિ, પિતા, પુત્ર અને અભિનેતા તરીકે પણ. તેથી, આગામી ૨૦૨૫માં આપણે છેલ્લી વાર એકબીજાને મળીશું. સમય યોગ્ય લાગે ત્યાં સુધી. છેલ્લી બે ફિલ્મો અને ઘણા વર્ષોની યાદો. ફરીથી આભાર, આ દરમિયાન દરેક વસ્તુ માટે કાયમ ઋણી.’
વિક્રાંત મેસીની આ જાહેરાતથી ફેન્સ અને બધાને જ આશ્ચર્ય થયું છે.
વર્ષ ૨૦૦૭માં વિક્રાંત મેસીએ નાના પડદાના શો ધૂમ મચાઓ ધૂમ (Dhoom Machao Dhoom)થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ તેણે બાલિકા વધુ (Balika Vadhu)ના શ્યામ સિંહના રોલથી ઘર-ઘરમાં પોતાની જગ્યા બનાવી હતી. તેણે ધરમ વીર (Dharam Veer) અને કબૂલ હૈ (Qubool Hai) સિરિયલમાં પણ કામ કર્યું.
વર્ષ ૨૦૧૩માં રણવીર સિંહ (Ranveer Singh)ની ફિલ્મ લૂંટેરા (Lootera)થી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. આ પછી તેણે `દિલ ધડકને દો` (Dil Dhadakne Do), `છપાક` (Chhapaak) જેવી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી બધાનું દિલ જીતી લીધું. વિક્રાંત ફરીથી સફળતાની સીડી એવી રીતે ચઢ્યો કે તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. તે એક પછી એક શાનદાર ફિલ્મો કરતો રહ્યો અને ચાહકોનું દિલ જીતતો રહ્યો. વિક્રાંતે ઘણી ફિલ્મો કરી, પરંતુ ફિલ્મ `12મી ફેલ` (12th Fail) તેના કરિયરની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ. આ ફિલ્મમાં વિક્રાંતે જે સાદગી અને સત્યતાથી IPS મનોજ કુમારની વાર્તા રજૂ કરી અને તેનું પાત્ર ભજવ્યું તે દરેક વ્યક્તિનું દિલ જીતી લીધું. ફિલ્મમાં વિક્રાંતના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તેમને ઘણા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. વિક્રાંતની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ `ધ સાબરમતી રિપોર્ટ` પણ સમાચારમાં રહી હતી. દેશની સૌથી વિવાદાસ્પદ ઘટનાઓમાંની એક ગોધરા ઘટના પર આધારિત આ ફિલ્મની રાજકીય વર્તુળોમાં ખૂબ પ્રશંસા થઈ હતી.
નોંધનીય છે કે, વિક્રાંત મેસીની આગામી ફિલ્મોને લઈને વધુ માહિતી સામે આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે ‘આંખો કી ગુસ્તાખિયાં’ (Aankhon Ki Gustakhiyan) અને ‘ઝીરો સે રિસ્ટાર્ટ’ (Zero Se Restart) તેની છેલ્લી બે ફિલ્મો હોઈ શકે છે. જો કે, આની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.