`અમારી આંખોને પણ ઠંડક લેવા દો`, રણવીરના ફોટો પર વિદ્યા બાલને કહ્યું આવું

29 July, 2022 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેતા વિરૂદ્ધ નોંધાયેલી એફઆઈઆર પર બોલતા વિદ્યાએ કહ્યું કે કેસ કરનાર પાસે કદાચ વધુ કામ નથી, તેથી તેઓ આ બધા પર પોતાનો બધો સમય વિતાવી રહ્યા છે.

વિદ્યા બાલન

બોલિવૂડ એક્ટર રણવીર સિંહના બોલ્ડ ફોટોશૂટ(Ranveer Singh Bold Photoshoot) વિરુદ્ધ FIR નોંધાયા બાદ વિદ્યા બાલન (Vidya Balan) તેના સમર્થનમાં આવી છે. તાજેતરમાં જ મીડિયા સાથે વાત કરતા અભિનેત્રીએ આ મુદ્દે ખુલીને વાત કરી હતી. મુંબઈમાં કુબ્બ્રા સૈતની બાયોગ્રાફી  `ઓપન બુકઃ નોટ ક્વાઈટ અ મેમૉયર`ના લોન્ચિંગ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેને રણવીર સિંહનું લેટેસ્ટ ફોટોશૂટ પસંદ છે અને તે તેના વિશે શું વિચારે છે? આના પર વિદ્યાએ કહ્યું, `આમાં શું વાંધો છે? આવું પહેલીવાર તો કોઈ માણસે કર્યું નથી! થોડી અમારી આંખોને પણ ઠંડક લેવા દો.`

આ સાથે જ અભિનેતા વિરૂદ્ધ નોંધાયેલી એફઆઈઆર પર બોલતા તેમણે કહ્યું કે કેસ કરનાર પાસે કદાચ વધુ કામ નથી, તેથી તેઓ આ બધા પર પોતાનો બધો સમય વિતાવી રહ્યા છે. અભિનેત્રીએ કહ્યું કે જો તમને તે પસંદ ન હોય તો આ તસવીર હટાવી દો અથવા ફેંકી દો. FIRના ધાંધીયા શું કામ?

ઘણા સેલેબ્સે કર્યો છે સપોર્ટ 
નોંધનીય છે કે અત્યાર સુધી રણવીર સિંહના સમર્થનમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ સામે આવી છે. થોડા દિવસો પહેલા આલિયા ભટ્ટે પણ તેને સપોર્ટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આલિયા અને રણવીર ટૂંક સમયમાં ફિલ્મ `રોકી ઔર રાની કી પ્રેમ કહાની` માં જોવા મળશે. આ સિવાય તેના મિત્ર અર્જુન કપૂરે પણ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેને તેના પર ગર્વ છે.

અહીં નોંધવું રહ્યું કે અભિનેતાએ 23 જુલાઈના રોજ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ તસવીરો શેર કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેતા વિરુદ્ધ IPC કલમ 292 (અશ્લીલ પુસ્તકોનું વેચાણ વગેરે) 293, 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે પોલીસે તેમના પર આઈટી એક્ટની કલમો પણ લગાવી છે.

bollywood news ranveer singh vidya balan