19 December, 2022 03:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લોકોને થિયેટરમાં લાવવાનો પ્રયાસ કર્યો ‘ભેડિયા’એ : વરુણ ધવન
વરુણ ધવનનું કહેવું છે કે તેની ‘ભેડિયા’એ લોકોને થિયેટરમાં ખેંચી લાવવાનો પ્રયાસ કર્યો છે. પચીસ નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મ હૉરર-કૉમેડી છે. ફિલ્મને અમર કૌશિકે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં વરુણની સાથે ક્રિતી સૅનન, દીપક ડોબરિયાલ, અભિષેક બૅનરજી અને સૌરભ શુક્લા પણ લીડ રોલમાં હતાં. ફિલ્મને લઈને વરુણે કહ્યું કે ‘આ વર્ષ ખૂબ જ સારું રહ્યું. લોકોને થિયેટર્સમાં પાછા લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા. ‘ભેડિયા’એ કરી દેખાડ્યું. જે લોકોએ ફિલ્મને જોઈ તેમનો હું આભારી છું અને એનું કલેક્શન પણ સારું રહ્યું છે. એ દેખાડે છે કે તમારે હજી વધુ સારી રીતે પ્રયાસ કરતા રહેવું જોઈએ.’
બે વર્ષ પહેલાં લાગેલા લૉકડાઉનને કારણે લોકોની લાઇફ પર બ્રેક લાગી ગઈ હતી. એ સમયને યાદ કરતાં વરુણે કહ્યું કે ‘લૉકડાઉન જ્યારે લાગ્યું તો હું પરેશાન થઈ ગયો હતો. મેં નક્કી કર્યું કે હું ફિલ્મોની પસંદગી એવી રીતે કરીશ જે મને સંતુષ્ટિ આપી શકે. ‘જુગ જુગ જિયો’, ‘ભેડિયા’ અને ‘બવાલ’ સાઇન કરવા માટે મેં લાંબો સમય સુધી રાહ જોઈ હતી. એથી ૨૦૨૨નું વર્ષ મારા માટે ક્રીએટિવલી સંતોષજનક રહ્યું છે. એક ઍક્ટર તરીકે મને આ ત્રણેય ફિલ્મો પર અતિશય ગર્વ છે.’